જુનાગઢ: 31મી જુલાઈ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનકાળનો અંતિમ દિવસ હતો. આજે કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન શરૂ થયું છે. ત્યારે પાછલા પાંચ વર્ષ દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનકાળનો સમય કેવો રહ્યો તે જાણવાનો વિનમ્ર પ્રયાસ ઈટીવી ભારતે જુનાગઢના મતદાર પાસે કર્યો હતો. મોટાભાગના મતદારો એવું માની રહ્યા છે કે, પાંચ વર્ષનું જૂનાગઢનું શાસન જૂનાગઢની પ્રજાને મુશ્કેલીમાં મૂકનારું સાબિત થયું છે. લોકો પાસેથી કોર્પોરેશનને જે ટેક્સ ઉઘરાવીને તિજોરી છલકાવી હતી તે રૂપિયાનો પાછલા પાંચ વર્ષ દરમિયાન એકમાત્ર વ્યય થયો છે. જેને કારણે પાંચ વર્ષ દરમિયાન લોકોની સમસ્યાનો નિકાલ અને સુખાકારીમાં વધારો થવો જોઈએ તેની વિરુદ્ધ સમસ્યામાં વધારો અને સુખાકારીનો નિકાલ થયો છે.
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પાંચ વર્ષના શાસનનો અંત, જાણો લોકો શું કહે છે - Junagadh Municipal Corporation - JUNAGADH MUNICIPAL CORPORATION
ગઈકાલે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પાંચ વર્ષના શાસનનો અંત આવ્યો છે. ત્યારે જુનાગઢ કોર્પોરેશનમાં પાંચ વર્ષના ભાજપના સત્તાકાળને લઈને જૂનાગઢના સામાન્ય મતદારોએ તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. પાંચ વર્ષ દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકોની સમસ્યા દૂર થવાને બદલે સત્તાધીશોએ તેમાં વધારો કર્યો છે જેથી જૂનાગઢના મતદારોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે, ગુણવત્તાની ગેરંટી આપો અન્યથા અમને અમારો જીર્ણદુર્ગ પરત આપો. જાણો શું કહ્યું મતદારોએ. Junagadh Municipal Corporation
Published : Aug 1, 2024, 10:05 PM IST
પ્રાથમિક સુવિધા આપવામાં પણ વિલંબ:જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાછલા પાંચ વર્ષમાં શહેરના રસ્તા, ગટર, બાગ, બગીચા, રમતગમતના મેદાનો જેવી માળખાકીય સુવિધાઓ પ્રત્યે કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. રખડતા ઢોરના ત્રાસ નિયંત્રણ માટે પણ વાતો થઈ છે, પરંતુ નક્કર હકીકતમાં કામ થયું નથી. ગિરનારમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન થાય છે. પરંતુ આ સ્પર્ધા સ્થાનિક હોય તે પ્રકારે કોર્પોરેશને સ્પર્ધાને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવાથી દૂર રહી છે. કોર્પોરેટરો સમયાંતરે વોર્ડની સમસ્યા અને લોકોને મળવા આવતા નથી, જેથી સમસ્યા દર મહિને વધે છે. શહેરમાંથી પસાર થતી મીટર ગેઈજ રેલ્વે લાઈન આજે પણ સૌથી મોટો અને જટિલ પ્રશ્ન બની રહી છે.
પૂર્ણ બહુમતી છતાં વિકાસ કામોમાં મંદ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 60 કોર્પોરેટર પૈકી 56 કોર્પોરેટર ભાજપના ચૂંટણી જીતીને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચી ગયા છે. બમ્પર જીત બાદ પણ જૂનાગઢના લોકોની આશા અને અપેક્ષાઓ પાછલા પાંચ વર્ષમાં પૂરી થઈ નથી. સામાન્ય સફાઈથી લઈને ભુગર્ભ ગટર અને પીવાનું પાણી શિયાળો ઉનાળો કે ચોમાસા આ ત્રણેય ઋતુમાંથી કોઈ એક વોર્ડમાં સમસ્યા સામે આવે છે. જેમાં મોટાભાગના વોર્ડમાં ભાજપના કોર્પોરેટર હોવાને કારણે લોકોની સમસ્યા કોર્પોરેટર સુધી પહોંચે છે, પરંતુ સત્તાસ્થાને ભાજપ હોવાને કારણે તેનો સમયસર નિકાલ થવો જેઈયે તે થયો નથી. પરિણામે જૂનાગઢના સામાન્ય મતદારોમાં એક નિરાશાનું વાતાવરણ ઊભું થયું છે. અંડર બ્રિજ, ઓવર બ્રિજની માથાકૂટ આજે પાછલા પાંચ વર્ષથી ચાલે છે. નિરાકરણ થવાનું દૂર રહ્યુ સમસ્યા વધુ અટપટી બનતી જાય છે. ભૂગર્ભ ગટરને લઈને પણ અનેક સમસ્યાઓ હતી આજે પણ છે તેનું સમય રહેતા નિરાકરણ હજુ સુધી થયું નથી. પીવાના પાણીની નવી અને જૂની લાઈનો આજે પણ કામ ચાલુ છે. કામ પૂરું થયા પછી લોકોને સુવિધા ક્યારે મળશે તેના પર પણ અનેક સવાલો છે. આવા અનેક પ્રશ્નોની વચ્ચે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાછલા પાંચ વર્ષના ભાજપના શાસનનો અંત આવ્યો છે. જેને જુનાગઢની પ્રજા તેમના શબ્દોમાં વર્ણવી રહી છે.