સુરત:કામરેજ તાલુકાના સહકારી નેતા અને સુરત સુમુલ ડેરીના માજી ડિરેક્ટર મનોજ પટેલે કામરેજ તાલુકાના ભાજપ પ્રમુખ અને સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઉપરાંત તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરી દીધી છે. જેને લઇને સુરતનું રાજકારણ ગરમાઈ ગયું છે.
'બળવંત પટેલ હલકી કક્ષાનું દૂધ વેચી રહ્યા છે'- મનોજ પટેલ
કામરેજ તાલુકાના સહકારી અને ભાજપ નેતા અને સુરત સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર મનોજ પટેલે કામરેજ તાલુકાના ભાજપ નેતા અને સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, 'બળવંત પટેલ, સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર હોવાથી સત્તાનો દુરઉપયોગ કરી તેમજ અધિકારીઓ ઉપર રોફ જમાવી 9 મહિના અગાઉ ડીસેમ્બર 2023 માં ગેરકાયદેસર રીતે માથવ મંડળની રચના કરી છે. અને પોતાના ગામ ચોર્યાસીમાં 10 હજાર લીટરનું બલ્ક કુલર યુનિટ ખોટી રીતે સ્થાપિત કર્યું છે. ગામમાં સહકારી મંડળી હોવા છતાં આ મંડળ ખોટી રીતે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી સસ્તુ તથા બિન ગુણવત્તાવાળુ દુધ લાવી પોતાના માટે અંગત વેપારની પ્રવૃત્તિ કરી છે."
'બળવંત પટેલ હલકી કક્ષાનું દૂધ વેચી રહ્યા છે'- મનોજ પટેલ (Etv Bharat Gujarat) તેમણે વધુમાં આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, "9 મહિનાના સમયગાળામાં આ માઘવ મંડળમાં 50 લાખ લીટર દૂધ લાવીને ગેરકાયદેસર રીતે વેપાર કર્યો છે. સામાન્ય રીતે સુમુલ ડેરીના દુધનો ભાવ પ્રતિ લીટર ભાવફેર (બોનસ) સાથે 7 થી 8 રૂપિયા વધુ હોય છે એટલે કે ચોકકસ કહી શકાય કે, બળવંતભાઈએ પોતાના મળતીયા સાથે મળીને 3.5 થી 4 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર વેપાર કર્યો છે. આ વેપારના કારણે ભાજપ પક્ષની છબીને તથા સુમુલ ડેરી સુરતને હાનિ પહોંચે તેવું કૃત્ય કર્યું છે."
'મનોજ પટેલ તમામ આક્ષેપો સાબિત કરી બતાવે'- બળવંત પટેલ
મનોજ પટેલે કરેલા તમામ આક્ષેપો બળવંત પટેલ એ ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે, "એક વર્ષ પછી સુરત સુમુલ ડેરીની ચૂંટણી આવી રહી છે જેથી આ બધા આક્ષેપો કરાયા છે. મનોજભાઈ જે આક્ષેપો કરે છે એ સાબિત કરી બતાવે, મને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે."
આ પણ વાંચો:
- સરકારી નોકરીના નામે કરોડોની ઠગાઈ કરનારા ચાર લોકોની ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો - government job scammers arrested
- કર્ણાવતી કલબની સામે 40 લાખની લૂંટ: કારમાં પંચર છે કહી ચાલકનું ધ્યાન દોરી આરોપી થેલો લઈ રફૂચક્કર - 40 lakh robbery