ભાવનગર જિલ્લામાં માર્ગો પાછળ 2 વર્ષમાં રુ. 13,315.20 લાખ ખર્ચાયા ભાવનગરઃ રસ્તા બનવાને લીધે વિકાસ થતો હોવાનું વારંવાર રાજકીય નેતાઓ અને સત્તામાં બેઠેલી સરકારો જણાવતી આવી છે. ભાવનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં કેટલી અરજીઓ આવી અને કેટલા રસ્તાઓ બન્યા તે વિગત જાણવાનો ETV BHARATએ પ્રયત્ન કર્યો હતો.
ભાવનગર જિલ્લામાં માર્ગો પાછળ 2 વર્ષમાં રુ. 13,315.20 લાખ ખર્ચાયા માર્ગ મકાન વિભાગ હેઠળના મુખ્ય રસ્તાઓઃ ભાવનગર માર્ગ અને મકાન વિભાગ હેઠળ સમગ્ર જિલ્લાના માર્ગો આવે છે. વિભાગના અધિકારી આર. યુ. પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તળાજા, પાલીતાણા, પાલીતાણા જેસર, પાલીતાણા ગારીયાધાર, ગારીયાધાર સણોસરા, મહુવા બગદાણા, સોનગઢ પાલીતાણા, પાલીતાણા ટાણા જેવા અનેક રસ્તાઓ આવે છે. જો કે આ ઉપરોક્ત તાલુકાઓના મુખ્ય રસ્તાઓને ગણવામાં આવે છે. હાલમાં લોંગ રૂટમાં અમદાવાદ વલભીપુર ભાવનગર હાઈવેનું કામ શરૂ થનાર છે તેમજ પાલીતાણા ટાણા રસ્તાની પણ કામગીરી શરૂ થનાર છે. અલંગ અને પીપાવાવને પગલે નેશનલ હાઈવે બની ચૂક્યો છે માટે તેની કોઈ સમસ્યા નથી.
છેલ્લા 2 વર્ષમાં માર્ગો પાછળ ખર્ચઃ ભાવનગર માર્ગ અને મકાન વિભાગ પાસે છેલ્લા 2 વર્ષમાં કેટલા રસ્તાઓ બનાવ્યા અને તેના ખર્ચ વિશે પૂછતા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2022/23 માં ખાસ મરામત માટે 1 રોડ જેનો કુલ ખર્ચ 74.31 લાખ તેમજ પ્રવાસીપથ તરીકે 2 રોડ જેની કિંમત 1,454.39 લાખ ખર્ચ થનાર છે. જ્યારે વર્ષ 2023/24માં ખાસ મરામતમાં 3 માર્ગ જેનો ખર્ચ 1208.42 લાખ અને બજેટેડ 9 જેટલાં રોડના 10,578.08 લાખના ખર્ચના કામ થયા છે. જો કે માર્ગ અને મકાન વિભાગ હેઠળ જિલ્લામાં 75 માર્ગ આવે છે.
તાલુકા,જિલ્લા પંચાયતના કેટલા રસ્તા સોંપાયાઃ ભાવનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પાસે કુલ 75 જેટલા માર્ગો સોંપાયેલા છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી આર. યુ. પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં તાલુકા અને જિલ્લા પંચાયતના જે માર્ગો હોય તેવા કુલ 38 માર્ગો માર્ગ અને માર્ગ મકાન વિભાગને સોંપવામાં આવ્યા છે. સોંપવામાં આવેલા 38 માર્ગ 10 કિલોમીટર કે તેથી વધારે લંબાઇ ધરાવતા માર્ગો છે. જેની જાળવણી હવે માર્ગ અને મકાન વિભાગ કરી રહ્યું છે.
2 વર્ષમાં તૂટેલા માર્ગોની કેટલી અરજીઓ અને કેટલા રોડ બન્યા ? : ભાવનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષમાં કેટલા નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા અને તેનો કુલ ખર્ચ કેટલો થયો હશે તે વિશે માહિતી પૂછતા વિભાગે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં 15 જેટલા માર્ગ બનાવવામાં આવ્યા છે અને તેનો કુલ ખર્ચ 13,315.20 લાખ થવા જાય છે. જો કે દર મહિને રોડ તૂટી જવાને પગલે કેટલી અરજીઓ આવે છે તે વિશે માહિતી માગતા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય નાગરિક, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય તથા ધારાસભ્ય દ્વારા સમયાંતરે મળતી અરજીઓની સ્થળ ચકાસણી કરી નિકાલ કરવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે. મતલબ કે અહીંયા વિભાગ દ્વારા કેટલી અરજીઓ આવે તે દર્શાવવામાં આવ્યું નથી.
Junagadh News: કુલ 242 જેટલા સરકારી અને ખાનગી આવાસ,ઓફિસ અને દુકાનો નોટીસ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંબાજીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી