ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક ઉપર સવારથી સાંજ સુધીની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ મતદાનની પ્રક્રિયામાં પોલીસની સેવા, વરરાજા અને કન્યાએ પોતાની ફરજ નિભાવીને પ્રથમ મતદાનને મહત્વ આપ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતી. જો કે સવારથી સાંજ સુધીમાં કેટલું મતદાન થયું તે વિશે જાણીએ વિસ્તારથી..
ચૂંટણીમાં પોલીસની પ્રશંસનીય સેવા
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની વડવા બ વોર્ડ નંબર ત્રણની સવારથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. ત્યારે કુંભારવાડા વિસ્તારમાં શાળા નંબર 1 અને 2માં ચાલી નહીં શકનાર વૃદ્ધ મતદાન કરવા પહોંચતા બે પોલીસ કર્મચારીઓ દ્વારા વૃદ્ધને સહારો આપીને તેમને મતકુટીર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે શિહોર નગરપાલિકામાં વોર્ડ નંબર આઠમાં 105 વર્ષના લખીબેન કે જેઓ પ્રજ્ઞાચક્ષુ હોય તેમને પોલીસ જવાન દ્વારા તેડીને મતદાન બુથ સુધી પહોંચાડ્યા હતા. આમ શહેરમાં પોલીસની સામાજિક સેવા પણ ઉડીને આંખે વળગી હતી.
વરરાજા અને કન્યાએ પણ કર્યું પ્રથમ મતદાન
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના વડવા બ વોર્ડની મતદાનની પ્રક્રિયામાં લગ્ન પહેલા કન્યા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી હતી. પરીતાબેન વિનોદભાઈ બાબરીયા નામની કન્યાના લગ્ન હોય ત્યારે લગ્ન મંડપમાં પહોંચતા પહેલા એક નાગરિક તરીકે તેમણે પહેલા મતદાન કરવાનું નક્કી કર્યું હતું. પરીતાબેને મતદાન કરીને અન્ય લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીના પગલે તળાજા તાલુકાની ઉંચડી બેઠક ઉપર ઉંચડી ગામના રહેવાસી અને વરરાજા અર્જુનસિંહ રણજીતસિંહ રાઠોડ પણ પ્રથમ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું અને લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા સંદેશો પાઠવ્યો હતો.