ભાવનગર: જિલ્લા રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 104 સિંહોના જીવ બચાવાયા છે.
સિંહો જોતાં માલગાડીને રોકી દીધી:ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, માશૂક અહમદે માહિતી આપી હતી કે, 15 ડિસેમ્બર 2024 એટલે કે રવિવારના રોજ લોકો પાયલોટ ધવલભાઈ પી. (મુખ્ય મથક-સુરેન્દ્રનગર)એ કિમી 22/14-22/15 વચ્ચે રાજુલા સિટી-પીપાવાવ સેક્શનમાં 5 સિંહોને રેલવે ટ્રેક પાર કરતા જોયા હતા. તેમણે તરત જ ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવીને હાપાથી પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડીને રોકી દીધી હતી. ત્યારબાદ આ ઘટના સંદર્ભે ટ્રેન મેનેજર (ગાર્ડ) લોકેશ સાહ (હેડક્વાર્ટર-બોટાદ) ને લોકો પાયલોટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ગાર્ડે ઘટનાસ્થળે પહોંચીને તમામ સ્થિતિ સામાન્ય જણાતાં ટ્રેનને પ્રસ્થાનનો સંકેત આપ્યો અને ત્યારબાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન અટકાવી: આ ઉપરાંત લોકો પાયલોટ સુનીલ પંડિત (મુખ્ય મથક-જૂનાગઢ)ને ચલાલા-ધારી સેક્શનમાં કિ.મી. 53/2-53/3 વચ્ચે એક સિંહણ બે બચ્ચા સાથે રેલવે ટ્રેક ક્રોસ કરતી જોવા મળી હતી. ઘટનાની ગંભીરતાને સમજતા લોકો પાયલોટ દ્વારા પેસેન્જર ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેન મેનેજર (ગાર્ડ) વિદ્યાનંદ કુમાર (મુખ્યમથક-જૂનાગઢ) ને લોકો પાઇલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફોરેસ્ટ ગાર્ડ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા.