ભરુચઃ નેત્રંગમાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ઠપ્પ થયું છે. માત્ર 2 કલાકમાં 5.5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. મોવીથી ડેડીયાપાડા રોડ ઉપર યાલ ગામે નાળું ધોવાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
2 કલાકમાં 5.5 ઈંચ વરસાદઃ પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં મેઘરાજાએ 2 કલાકમાં ધમાકેદાર બેટિંગ કરતાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. જેનાથી જળબંબાકારની પરીસ્થિતિ ઉદભવી હતી. નેત્રંગ ટાઉનના જીનબજાર, ગાંધીબજાર અને જુની નેત્રંગ અને નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવખરી તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે. નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ અને કિમ નદીમાં ઘોડાપુર આવતા નદીકાંઠાના કેટલાક ગામો સંપર્કવિહોણા બન્યા છે.
વાહન વ્યવહાર ખોરવાયોઃ નેત્રંગ તાલુકાના મોવીથી ડેડીયાપાડા રસ્તા ઉપર આવેલ યાલ ગામનું નાળું વરસાદી પાણીમાં ધોવાણ થતાં વાહનવ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સૂચના આપવામાં આવી હતી. નેત્રંગમાં વરસાદી પાણી રોડ-રસ્તા ઉપર ફરી વળતા કલાકોથી વાહન વ્યવહાર ઠપ્પ રહેતા ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર અને પોલીસ કર્મચારીઓ ખડેપગે ફરજ પર તૈનાત કરી દેવાયા છે.