ભરૂચ :કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલની ભરૂચ LCB પોલીસે વડોદરાથી ધરપકડ કરી છે. વાગરા તાલુકાના જોલવા ગામમાં નવરાત્રી દરમિયાન 3 વ્યક્તિ પર જીવલેણ હુમલો અને રાયોટિંગના ગુનામાં આરોપી સુલેમાન પટેલ ત્રણ મહિલાથી ફરાર હતો. સુલેમાન પટેલ બે વખત કોંગ્રેસના વાગરા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર રહી ચૂક્યા છે.
શું હતો મામલો ? આ અંગે મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના જોલવા ગામના પાદરે ઓક્ટોબર 2023 માં બનાવ બન્યો હતો. અહીં બેઠેલા લોકો પર અગાઉ થયેલી તકરારમાં મનદુખ રાખી પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા જોલવાના રહીશે આરોપી સુલેમાન પટેલ વિરુદ્ધ તેમના કહેવાથી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે દહેજ પોલીસે સુલેમાન પટેલ સહિત છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો : પોલીસ દ્વારા જીવલેણ હુમલામાં હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે સુલેમાન પટેલ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જ્યારે ઝડપાયેલા 5 આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. ભરૂચ કોર્ટે સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જોકે ગુજરાત હાઈકોર્ટે રેકોર્ડના પુરાવા ધ્યાને લઈ આગોતરા અરજી જ બરતરફ કરી દીધી હતી.