ગાંધીનગર:ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલે આ અંગે જણાવ્યું કે, ધોધમાર વરસાદને કારણે મોટાભાગના પાકોને નુકસાન થયું છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર અને પાટણ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે માટે આદેશ આપ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સર્વેને કામગીરી ધીમી ચાલી રહી છે. તાત્કાલિક યુદ્ધના ધોરણે સર્વે થાય તેવી કિસાન સંઘે માંગણી કરી છે. કોઈપણ ખેડૂત સહાયથી વંચિત ન રહે તે રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી સરકારે સર્વે કરવો જોઈએ. સર્વેમાં શાકભાજીના કેટલાક પાકોનો સમાવેશ કરાયો ન હોવાનો ફરિયાદો કિસાન સંઘ સુધી આવી છે. બાગાયતી પાક અને શાકભાજીને ખેતી કરતા ખેડૂતોનો પણ સર્વેમાં સમાવેશ કરવો જોઈએ.
ખેડૂત ધિરાણની મર્યાદા ત્રણ લાગતી વધારીને 7 લાખ કરો:રમેશ પટેલે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને ત્રણ લાખ સુધીનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે પૂરું પાડવું જોઈએ. સરકારે પાંચથી સાત લાખ રૂપિયા સુધીનું ધિરાણ ખેડૂતને મળે તેવી જોગવાઈ કરવાની ભારતીય કિસાન સંઘએ માંગણી કરી છે. વધુ વરસાદને કારણે જમીનનું ધોવાણ થયું છે આથી જમીન ધોવાણ થયું હોય તેવા ખેડૂતોને પણ વળતર ચૂકવવું જોઈએ.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણ આવ્યું:ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણનો જથ્થો વેચાણ માટે આવ્યો છે. આ ચાઈનીઝ લસણના લાભા લાભો અંગે કોઈ પણ પ્રકારની તપાસ કરાવી નથી. માનવજાત પર ચાઈનીઝ લસણની શું અસર થશે તેની તપાસ કરવી તેમજ અયોગ્ય જણાય તો તેનું વેચાણ અટકાવવું જોઈએ. બિયારણ ક્યાંથી આવ્યું અને તેની કેવી રીતે વાવણી થઈ તેની તપાસ થવી જોઈએ. કપાસમાં આવતા જીએમ પાકોને આડઅસર દેખાવા માંડે છે. થોડા વરસાદમાં પણ કપાસનો પાક ઊભો સુકાઈ જવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. બધા જ પ્રકારના વાતાવરણમાં ઉછેર થાય તેવા બીજ ખેડૂતોને આપવા જોઈએ. જેથી કરીને ખેડૂતોએ નુકસાની વેચવાનો વારો ન આવે.
ખોરાક ખેડૂતો જ પકવી શકશે:રાજ્યમાં પડેલો પુષ્કળ વરસાદ આગામી સિઝન માટે લાભકારક છે, પરંતુ ચાલુ સિઝનમાં ખેડૂતને નુકસાન થયું છે. દરેક પાકમાં ખેડૂતનો નફો માત્ર 15 થી 20 ટકા હોય છે. ખેડૂતનો ખર્ચ ખૂબ જ વધુ હોય છે એક પાક નુકસાન થવાથી ખેડૂત પાંચ સાત વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. ખોરાક ખેડૂતો જ પકવી શકશે, પરંતુ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે પરિણામે ગામડાઓ તૂટી રહ્યા છે.