મોરબી:રાજ્યમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે હવે ખુદ પોલીસકર્મી પર દારૂના નશામાં કાર હંકારીને અકસ્માત સર્જવાનો આરોપ લાગ્યો છે. હળવદના રણજીતગઢ ગામના પાટિયા નજીક કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. આરોપ છે કે સ્થળ પરથી કારચાલક નશાની હાલતમાં મળી આવ્યો હતો અને કારમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે આ કારચાલક કચ્છ એસ.આર.પી. ના DySP હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
ગાડીનું અકસ્માત થતા પોલીસ સ્થળ પર પહોચી હતી
હળવદ પોલીસમાં ફરજ બજાવતા લાલભા રઘુભાઈ ચૌહાણે આરોપી સુરેશ સોમજીભાઇ બામનીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, 4 નવેમ્બરના રોજ રાત્રે દોઢ વાગ્યે રણજીતગઢ ગામના પાટિયા નજીક કારનો અકસ્માત થયો છે તેવી માહિતી મળતા તુરંત ટીમ રવાના થઇ હતી. જ્યાં સ્થળ પરથી કાર રોડ વચ્ચે પડી હતી. જે ગાડીના બોનેટના ભાગે ઘોબો પડેલ હતો અને બોનેટ ઊંચું થઇ ગયું હતું. કાર ચાલક બકવાસ કરતો હતો અને કેફી પીણું પીધેલ હાલતમાં જણાઈ આવ્યું હતું. કાર ચાલકનું નામ પૂછતા સુરેશ બામનીયા જણાવ્યું હતું અને પોતે ભચાઉ એસ.આર.પી. ગ્રુપમાં DySP તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું.