ગુજરાત

gujarat

ETV Bharat / state

દાઝેલા લોકો માટે આશીર્વાદ! સિવિલ હોસ્પિટલની અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી - CIVIL HOSPITAL SKIN DONATION

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે ઘણી સારી કામગીરી થઇ. સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024 દરમિયાન કુલ 36 અંગદાન અને 8 સ્કિન દાન થયા.

સિવિલ હોસ્પિટલની અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે
સિવિલ હોસ્પિટલની અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2025, 6:04 PM IST

Updated : Jan 4, 2025, 6:47 PM IST

અમદાવાદ: અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં 2024માં એક વર્ષ દરમિયાન કુલ 36 અંગદાન, 8 સ્કિન દાન થયા હતા. કુલ મળીને 124 અંગોનું દાન મળ્યું હતું. જોકે વર્ષ 2025ના પ્રથમ દિવસે જ સિવિલમાં વર્ષનું પ્રથમ સ્કિન ડોનેશન થયું હતું. જેનાથી જરુરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 9મું સ્કિન ડોનેશન કરાયું હતું. જેને થોડા દિવસો પછી જરુરિયાતમંદ દર્દીઓને લગાવવામાં આવશે.

સિવિલ હોસ્પિટલની અંગદાનમાં સારી કામગીરી: અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા જનજાગૃતિ અભિયાનો પણ હાથ ધરવામાં આવ્યા. જેના દ્વારા અમુક વર્ષોમાં ઘણા અંગદાન મળ્યા છે. જેનાથી સંખ્યાબંધ લોકોને નવજીવન મળ્યું છે. ત્યારે હવે લોકો પણ અંગદાન કરવાની પહેલ કરી રહ્યા છે. આ અંગે સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડૉ. જયેશ સચદેવએ જણાવ્યું કે, 1 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 9મુ સ્કિન દાન કરાયું હતું. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વસતા એક મહિલાનુ નિધન થયું હતું. આ મહિલાના પુત્રે શતાયુ NGOને માતાની સ્કિન ડોનેશન માટે ઇચ્છા વ્યક્ત કરી હતી.

સિવિલ હોસ્પિટલની અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે (Etv Bharat Gujarat)

દર્દીને દાનમાં મળેલી સ્કિન લગાવાઇ: આ અંગે શતાયુ NGOએ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરીને જાણ કરી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાંથી સંબંધિત વિભાગના ડોક્ટર્સ દ્વારા મૃતક દર્દીના શરીરની સ્કિન દાનમાં લેવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, દાનમાં મળેલી સ્કિન બાયોલોજિકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતાં બીજાની લગાવેલી સ્કિન નીકળી જાય છે. ત્યારબાદ તે કુદરતી રીતે ફરીથી નવી સ્કિન બને છે. આ સ્કિનને કન્ડિશન અને ક્વોલિટી ટેસ્ટ કરીને ક્વોરેન્ટાઇન કર્યા પછી થોડા સમયે બાદ ઉપયોગ માટે લેવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં એક દર્દીને આવી જ એક દાનમાં મળેલી સ્કીન લગાવવામાં આવી છે.

અત્યાર સુધીમાં 9 સ્કિન દાન થયા: વધુ માહિતી આપતા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 9 જેટલા સ્કિન દાન થયા છે. સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કિન દાન માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે. વધુમાં વધુ સ્કિન દાન થાય તે હેતુથી સિવિલ હોસ્પિટલ દ્વારા 9428265875 કોન્ટેક્ટ નંબર પણ જાહેર કરાયો છે. જેને પોતાના સ્વજનની સ્કિન દાન કરાવું હોય તે આ નંબરે કોન્ટેક્ટ કરે તો હોસ્પિટલ ટીમ ત્યાં હાજર થઇ જાય છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 175 બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી 550 જરૂરિયાત મંદોને જીવનદાન મળ્યું છે.

4 વર્ષમાં 175 લોકોનું અંગદાન: સિવિલ હોસ્પિટલમાં 124 અંગોમાંથી 72 કિડની, 32 લીવર ,13 હૃદય, 1 સ્વાદુપિંડ અને 6 ફેફસાનું અંગદાન મળ્યું છે. વર્ષ 2024માં 36 અંગદાતાઓમાં 32 પુરુષો અને 4 મહિલા બ્રેઈન ડેડ અંગદાતાઓ દ્વારા અંગદાન કરાયું છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષમાં 175 લોકોનું અંગદાન થયું છે. જેના થકી હોસ્પિટલ તરફથી 568 અંગો દાનમાં મળ્યા છે. જેનાથી 550થી વધારે લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.

દાઝેલા લોકો માટે ઉપયોગી: ગયા વર્ષે માર્ચ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંકની શરુઆત થઇ હતી. જેમાં 9 સ્કિન દાન થયા હતા. ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, સૌથી મહત્વની વાત છે કે, દાનમાં મળેલી સ્કિન એવા લોકો કે જે દાઝેલા હોય, એસિડ એટેકવાળા દર્દી, એક્સિડન્ટ, આગ કે કરંટથી દાઝેલા દર્દીઓ માટે આશિર્વાદરુપ સાબિત થાય છે. આ સ્કિન દાનથી દર્દીઓનું જીવન બચાવી શકાય છે. એટલે લોકોને અપિલ કરીએ છીએ કે, લોકો જાગૃત બને અને વધુમાં વધુ સ્કિન ડોનેટ કરે, તેવી અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો:

  1. સારંગપુર બ્રિજ બંધ થતા ભયંકર ટ્રાફિક, અટવાયેલા લોકોની વેદના, જુઓ
  2. ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પીડિતોને વળતર આપવા તૈયારઃ કોર્ટમાં થઈ જામીન અંગે સુનાવણી
Last Updated : Jan 4, 2025, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details