બનાસકાંઠા: ગુજરાત રાજ્યમાં નકલીની ભરમારમાં એક પછી એક ચોકવનારા ખુલાસા સામે આવ્યા છે ત્યારે વધુ એક શિક્ષણ વિભાગના સચિવનો બનાવટી ઓર્ડર બનાવી શિક્ષિકાને બદલીનો ઓર્ડર આપી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વડગામ તાલુકાના મજાદર શાળાના મુખ્ય શિક્ષક સામે જ શિક્ષણ વિભાગના સચિવના નામે નકલી બનાવવાનો આરોપ છે જોકે હવે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપીને હાલમાં તાત્કાલિક આ શિક્ષકને સસ્પેન્ડ કરીને તેના સામે ફરિયાદ કરવા સુધીની તજવીજ હાથ ધરવામાં આવી છે.
નકલી બનાવટી શિક્ષકનો ઓર્ડર: જે શિક્ષક પર આરોપ લાગ્યો છે તે શિક્ષક વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, અને તેનું નામ બ્રિજેશ પરમાર છે. આ બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવનો સહી સિક્કાવાળો બનાવટી બદલીનો ઓર્ડર બનાવીને શિક્ષકને બદલી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કરાઈ હોવાનો ઓર્ડર આપી દિધાનો તેના પર આરોપ લાગ્યો છે.
આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે,'થરાદ તાલુકાની ડુઆ પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષિકાના પતિનો સંપર્ક કરીને આ શિક્ષક બ્રિજેશ પરમારે બનાવટી ઓર્ડર આપ્યો હોવાનું અમારા ધ્યાને આવ્યું છે તે બાદ સુનાવણી કરવામાં આવી અને ગંભીર બાબત જણાતા તાત્કાલિક અસરથી આ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'