બનાસકાંઠા :અવારનવાર રેતીચોરી કરતા ભૂમાફિયાઓ પર ગાંધીનગર ફ્લાઈંગ સ્કોર્ડે સપાટો બોલાવ્યો છે. બનાસ નદીમાંથી મોટાપાયે રેતી ચોરી કરતા 22 જેટલા ડમ્પર અને હિટાચી મશીન જપ્ત કરી અંદાજીત 8 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અચાનક જ જિલ્લામાં ગાંધીનગર ફ્લાઈંગ સ્કોર્ડ અને જિલ્લા ભૂસ્તર વિભાગ ત્રાટકતા રેતી ચોરો હાલ ભુર્ગભમાં ઉતરી ગયા છે.
ડીસામાં ફ્લાઈંગ સ્કોર્ડ ત્રાટકી:બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ નદીના પટમાંથી રાત્રિના સમયે અને દિવસભર કોઈપણ પ્રકારના પાસ પરમીટ વિના મોટાપાયે રેતી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે બાદ ગાંધીનગર ફ્લાઈંગ સ્કોર્ડ અને જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી બનાસ નદીમાંથી રેતી ચોરી કરતા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.
22 ડમ્પર સહિત 8 કરોડનો મુદ્દામાલ જપ્ત :બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ અને ગાંધીનગર ફ્લાઈંગ સ્કોર્ડે સ્થાનિક પોલીસને સાથે રાખી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. ડીસામાં બનાસ પુલ નજીક નદીમાંથી 22 જેટલા ડમ્પર સ્થળ પર જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ રેતીનું ખનન કરનારા હિટાચી મશીન પણ જપ્ત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ફ્લાઈંગ સ્કોર્ડ અને જિલ્લા ભૂસ્તર વિભાગે અંદાજીત 8 કરોડો રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરીને તમામ વાહન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
માપણી બાદ દંડનીય કાર્યવાહી કરાશે :બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર અધિકારી ગુરપ્રિતસિંગ સારસ્વાએ જણાવ્યું કે, ડીસા બનાસ નદીના પુલ પાસે ગેરકાયદેસર ખનન કરાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જે બાદ ગાંધીનગર ફ્લાઈંગ સ્કોર્ડ અને જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. સ્થળ પરથી 22 ડમ્પર અને એક મશીન સહિત અંદાજે 8 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં ભૂસ્તર વિભાગે નદીમાં કરેલા ગેરકાયદેસર ખોદકામની માપણી હાથ ધરી છે, જે બાદ દંડનીય કાર્યવાહી કરાશે.
- વાંકાનેરમાં ગેરકાયદે બ્લાસ્ટની તૈયારી કરનાર ખનન માફિયાઓ ઝડપાયા
- વડોદરામાં ગેરકાયદેસર રેતી ખનન પૂરજોરમાં: સાંસદ ડો. હેમાંગ જોશી