બનાસકાંઠા:જિલ્લાના સરહદી વાવ તાલુકાના એક ગામના શિક્ષક ગામમાં આવેલા હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતો હતો. મળતી માહિતી અનુસાર, આ શિક્ષક વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા મારફતે હેરાન કરતો હતો. આ શિક્ષક ફેક ઇન્સ્ટાગ્રામ (Instagram) આઈડી બનાવી વિદ્યાર્થીઓના મોબાઇલમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા, તેના વિરોધ પોક્સો એક્ટ (POCSO Act) કલમ મુજબ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
શારીરિક અડપલાં અને બીભત્સ વર્તન: વાવ તાલુકાના એક ગ્રામીણ હાઈસ્કૂલમાં નાનજી સવજી ચૌધરી સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. શિક્ષક નાનજી રોજ હાઈસ્કૂલમાં ફરિયાદીની ગાડીમાં અપડાઉન કરતો હતો. આ જ ગાડીમાં ફરિયાદીની 16 વર્ષીય દીકરી પણ સાથે અપડાઉન કરતી હતી. માહિતી અનુસાર, શિક્ષક ફરિયાદીની દીકરી સાથે શારીરિક અડપલાં અને બીભત્સ વર્તન કરતો હતો. આમ, સતત બે-ચાર દિવસથી ઉદાસ રહેતી દીકરીને જોને ફરિયાદી પિતાએ પૂછપરછ કરતા દીકરીએ સઘળી હકીકત પિતાને જણાવી હતી.
આ બાબતે વાવ પીએસઆઇ એચ.કે. દરજીએ ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'શિક્ષક નાનજી ચૌધરી વિરુદ્ધ પોસ્કો કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. શિક્ષક ફરાર છે તેની અટકાયત કરી લઈશું.'
મુદ્દો સમગ્ર ગામમાં ચર્ચાનું કેન્દ્ર:ફરિયાદી પિતાએ સમગ્ર માહિતી જાણ્યા બાદ આ બાબતની જાણ હાઈસ્કૂલના શિક્ષક મિત્રોને કરતાં તમામ બાબતનો ભાંડો ફૂટ્યો હતો. આ શિક્ષક નાનજી ચૌધરી સ્કૂલની 15 થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં તેમજ બિભત્સ વર્તન કરતો હતો. આ ઉપરાંત તે મોબાઇલ મારફત ખરાબ મેસેજની વિગતો બહાર આવતા આ મુદ્દો સમગ્ર ગામમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો: ઘટનાની જાણ થતાં ગ્રામજનો તેમજ સ્કૂલના ટ્રસ્ટી ગણ વાવ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા. પરંતુ આ શિક્ષકને બચાવવા કેટલાય નેતાઓ વાવ પોલીસ મથક ખાતે દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ ફરિયાદી તેમજ ગ્રામજનોનો સહકાર મળતા અંતે શિક્ષક નાનજી ચૌધરી વિરુદ્ધ પોસ્કો કલમ સહિત અન્ય કલમો સાથેનો વાવ પોલીસ મથક ખાતે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે ગુનો નોંધાતા આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસે પોક્સો (POCSO) સહિત અન્ય કલમો લગાવી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
- લોકોના જીવ બચાવનાર 108 એમ્બ્યુલન્સની કર્મચારીએ ઊંઘની ગોળી પીને આત્મહત્યાની કોશિશ કેમ કરી?
- કોલકાતા : આરજી કર રેપ અને મર્ડર કેસના દોષી સંજય રૉયને આજીવન કેદની સજા, 50 હજારનો દંડ