બનાસકાંઠા: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈને સગીરા પર વારાફરતી 6 નરાધમોએ દુષ્કર્મ ગુજારી અર્ધબેભાન અવસ્થામાં છોડી નાસી ગયા હોવાની સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સગીરાને અવાવરૂં જગ્યાએ લઈ જઈને ગેંગરેપ આચર્યું
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પીડિત સગીરા મોટા પપ્પાના ઘરે જઈ રહી હતી, તે દરમિયાન ઓળખીતી વ્યક્તિએ તેને બાઈક પર બેસાડી હતી અને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તકનો લાભ લઈને 6 નરાધમોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ તેઓ સગીરાને અર્ધબેભાન અવસ્થામાં છોડીને તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
મોંઢામાં ડૂચો લગાવીને કુકર્મ આચર્યું
ચોંકાવનારી બાબત એ છે કે ફરિયાદમાં દીકરીની માતાએ કહ્યું હતું કે, નરાધમોએ સગીરા બૂમો ના પાડે તે માટે તેના મોંઢામાં ડૂચો લગાવી દીધો હતો અને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાની માતાએ ફરિયાદમાં ઘોડા ટાંકણીના એક વ્યક્તિનો ઉલ્લેખ કરાવ્યો છે, જે સગીરાને બાઈક પર બેસાડી છાપરી રોડ પર લઈ ગયો હતો.
સગીરાની માતાની ફરિયાદ બાદ પોલીસ દોડતી થઈ
પીડિત સગીરાની માતાની ફરિયાદ બાદ અંબાજી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. હાલમાં અંબાજી પોલીસે સગીરાના મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરૂ કરીને દુષ્કર્મ ગુજારનારા નરાધમ શખ્સોને વહેલી તકે પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.
શક્તિની ઉપાસના થાય તે યાત્રાધામમાં આવી ઘટનાથી સ્થાનિકોમાં રોષ
આ સમગ્ર મામલા વિશે જાણકારી મેળવવા માટે ETV Bharatએ અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈનો ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. હજુ પોલીસ દ્વારા હાલમાં કઈ દિશામાં તપાસ થઈ રહી છે તે માહિતી મળી શકી નથી. જોકે આ ઘટનાએ પોલીસને જ દોડતી નથી કરી, પરંતુ યાત્રાધામ અંબાજીમાં જ્યાં મા અંબાજીની પૂજા-અર્ચના થાય છે, જ્યાં શક્તિના સ્વરૂપને માનથી જોવાય છે ત્યાં ઘટેલી ઓડિસા ગેંગરેપ જેવી ગેંગરેપની ઘટના અંગે સૌ કોઈ ફિટકાર વરસાવી રહ્યા છે અને વહેલી તકે આરોપીઓ પકડા તેવી માંગ પણ ઉઠી છે.
આ પણ વાંચો:
- રાજકોટમાં યુવાનની પ્રેમ સંબંધમાં હત્યા, આરોપી મિત્રો પોલીસના સંકજામાં
- બર્થડે સેલિબ્રેટ કરવા કેફેમાં આવી યુવતી, બોયફ્રેન્ડે બનાવ્યો પ્રાઈવેટ વીડિયો, 6 લોકોએ કર્યો ગેંગરેપ!