બનાસકાંઠા :અંબાજીના કુંભારિયા જૈન દેરાસરમાં કારમાંથી 80 તોલા સોનુ અને દોઢ લાખ રૂપિયા રોકડ રકમની ચોરી થઈ હતી. આ મામલે સંડોવાયેલા શખ્સોને અંબાજી અને LCB પોલીસે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી દીધો છે.
જૈન દેરાસરમાંથી ચોરી :સુરતના જૈન પરિવારે અંબાજીના કુંભારિયા જૈન દેરાસર ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. જોકે રૂમ ન મળતા તેમને ગાડીમાં જ કિંમતી સામાન, ઘરેણાં અને રોકડ રકમ મૂકી હતી. જે કારના કાચ તોડીને શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચોરી કરનાર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને આખરે આ ચોરી કરનાર શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.
બે આરોપી ઝડપાયા :સુરતના જૈન પરિવારના સોનાના ઘરેણા તેમજ રોકડ રકમની ચોરી કરનાર શખ્સોને આખરે પોલીસે ઝડપીને ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. ચોરીને અંજામ આપનાર શખ્સો માઈન્સમાં મજૂરી કરતા હોવાની સૂત્રો તરફથી હાલ તો માહિતી મળી રહી છે. ચોરી કરનાર બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરીને પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ પણ આરંભી દીધી છે.
મુદ્દામાલ રિકવર થયો :બનાસકાંઠાની અંબાજી અને LCB પોલીસે ચોરી કરનાર શખ્સોને ઝડપી તેમની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે. ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પરિવારને સુપરત કરવામાં આવ્યો છે. પરિવારને પણ પોતાનો કિંમતી સામાન અને રોકડ રકમ પોલીસની મહેનતથી પરત મળતા તેમને પોલીસનો આભાર માન્યો હતો.
અસામાજિક તત્વો સામે કાર્યવાહી :અંબાજીમાં અનેક શ્રદ્ધાળુઓ અમારા દર્શન માટે આવતા હોય છે અને આસપાસ આવેલી ધર્મશાળાઓમાં રાત્રે રોકાણ પણ કરતા હોય છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ આવે અને ભક્તોમાં કોઈપણ પ્રકારનો ભય પેદા ના થાય તે માટે પોલીસે દ્વારા આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરી અન્ય અસામાજિક તત્વોમાં પણ પોલીસનો અને કાયદાનો ડર ઉભો કરી સુરક્ષાનો વિશ્વાસ ઉભો કર્યો છે.
- પાલનપુરમાં ડોકટર પર જીવલેણ હુમલો, 6 સામે ગુનો નોંધાયો
- વાવમાં ઝડપાયો વિદેશી દારૂ, સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા