હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં હિન્દુ આરોપીની સંડોવણી (ETV Bharat Desk) સુરત : દેશના હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવાના ષડયંત્રમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. મૌલવી સોહેલ સાથે મળીને ઉપદેશ રાણાને ધમકી આપવા માટે ચેટ કરનાર બિકાનેરના ધર્મ બદલીને મુસ્લિમ બનેલા અશોક સુથાર ઉર્ફે અબુબકરનું ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઈન્ટ્રોગેશન કરવામાં આવશે. આરોપીને કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પાકિસ્તાની યુવતી સાથે સંપર્ક :અશોક ઉર્ફે અબુબકર કમ્પ્યુટર જાણકાર અને ગ્રાફિક્સ ડિઝાઇનર છે. એક સોશિયલ મીડિયા સાઈટ થકી તે પાકિસ્તાનની 10થી વધુ મહિલાઓનો સંપર્કમાં હતો. આ દરમિયાન તે એક પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો અને બંને વચ્ચે પ્રેમ થતા લગ્ન કરવા પહેલા ઇસ્લામ ધર્મ જાણો તેમ કહીને મહિલાએ અશોકને ધર્મ પરિવર્તન કરવા માટે કહ્યું હતું. બાદમાં પાકિસ્તાની ટીચર્સનો સંપર્ક પણ કરાવ્યો જે અશોકને ઓનલાઇન કુરાન શરીફ શીખવાડતી હતી. ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે પાકિસ્તાનના મુફ્તી જમશેદનો સંપર્ક કર્યો હતો.
ઓનલાઇન ધર્મ પરિવર્તન :આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ DCP એસ. એન. નકુમે જણાવ્યું કે, પ્રકરણમાં અશોકની ધરપકડ કરવામાં આવી છે, તે પાકિસ્તાનની 10 જેટલી યુવતીઓના સંપર્કમાં હતો. જેમાંથી એક સાથે તે પ્રેમ કરતો હતો. તેના કહેવાથી તેણે પાકિસ્તાનના મુક્તિ જેમ શેડ થકી ઓનલાઈન ધર્મ પરિવર્તન કર્યું હતું. જેમાં 22 થી 25 વખત કલમા પઢાવી ધર્મ અંગીકાર કરવામાં આવ્યો હતો.
મૌલવી સાથે સંપર્ક :આ વચ્ચે તે સુરતના મૌલવીના સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી જોડાયો હતો. અશોકે મોલવીને કહ્યું હતું કે તે કંઈક કરવા માંગે છે. આજ કારણ છે કે મૌલવીએ તેને હિન્દુ નેતાને મારી નાખવા માટે કહ્યું અને તેના બદલામાં એક કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી. આરોપી ઝાકીર નાયક સહિત અન્ય લોકોનો વીડિયો જોતો હતો.
આરોપીની પૂછપરછ :પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમને આશંકા છે કે પાકિસ્તાની યુવતીઓ દ્વારા દેશમાં રહેતા યુવકોને પ્રેમજાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. આ પ્રકરણમાં અશોકના પરિવારને અત્યાર સુધી ખબર નથી કે તેણે ધર્મ પરિવર્તન કરી લીધું છે. અમે દસ દિવસના રિમાન્ડ કોર્ટ સમક્ષ માંગ્યા હતા. હાલ સાત દિવસના રિમાન્ડ મળ્યા છે. આ સમગ્ર મામલે અમે તપાસ કરી રહ્યા છીએ.
સંખ્યાબંધ પાકિસ્તાની સંપર્ક : પાકિસ્તાનના સંખ્યાબંધ મોબાઇલ ફોન નંબર આરોપીના મોબાઇલમાંથી મળી આવ્યા છે. તેમાં બિકાનેર પોલીસ દ્વારા પાકિસ્તાનની સંખ્યાબંધ યુવતીઓ મૂળ બિકાનેરના અબુબકર સંપર્કમાં હોવાની વિગતો જાણવા મળી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં સંખ્યાબંધ લોકો સાથે નિયમિત ચેટ થયા હોવાની વિગતો જાણવા મળી છે. સોહેલ અને બિકાનેરનો અબુબકર કોમન કોન્ટેક્ટમાં હોવાને કારણે પોલીસ આ બંનેને આમને સામને બેસાડીને ક્રોસ વેરિફિકેશન કરવાના હોવાની વિગતો જાણવા મળી છે.
આરોપીનો ફોન રિકવર :સુરત ક્રાઇમ બ્રાન્ચે નાંદેડમાંથી સુરતના સોહેલ ઉર્ફે અબુબકર સાથે સંપર્કમાં રહેલા શકીલ શેખ ઉર્ફે રઝાનો ફોન કબ્જામાં લીધો છે. આ ફોન તૂટેલો હતો. પોલીસના આવતાની સાથે જ તેણે ફોન તોડીને ફેંકી દીધો હતો. તેના તૂટેલા ફોન તથા શકીલ શેખના ભાઈનો ફોન પણ રિકવર કર્યો છે. શકીલ શેખના ભાઇના ફોનમાં તે ફોન તોડતો હોવાનો વિડીયો મળી આવ્યો છે. તેથી તેના ભાઈનો ફોન પણ ક્રાઇમ બ્રાન્ચે રિકવર કર્યો છે.
પાકિસ્તાનથી ફંડિંગ થયું છે ?આ મામલે ઝડપાયેલા આરોપીઓ સુરતના સોહેલ ઉર્ફે અબુબકર અને મહારાષ્ટ્રના નાંદેડના શકીલ તથા નેપાળના મોહમદની બેંક ડિટેઇલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મંગાવવામાં આવી છે. પાકિસ્તાનથી કોઈ ફંડિગ આવ્યું છે કે નહીં તે મામલે હાલમાં સુરત પોલીસ ચકાસણી કરી રહી છે.
- પાકિસ્તાનનો ડોગર ભારતમાં સ્લીપર સેલને એક્ટિવ કરી હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે ષડયંત્ર અને ટેરર ફંડિંગ કરે છે
- 5 વર્ષ અગાઉ મૌલવીએ ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપતો વિડીયો બનાવ્યો હતો, પાકિસ્તાન માટે શું કહ્યું હતું ?