કચ્છ:દેશદેવી માઁ આશાપુરાનું સ્થાનક માતાના મઢના નામે વિશ્વ વિખ્યાત છે તે કચ્છના સરહદી વિસ્તાર એવા લખપત તાલુકામાં આવેલું છે અને જે એક પ્રખ્યાત ધર્મસ્થળ છે. જ્યાં માત્ર નવરાત્રિ દરમિયાન 10 લાખથી વધુ ભાવિકો ઉમટે છે. કચ્છની દેશદેવી માઁ આશાપુરાના દર્શને વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.
આશાપુરા માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ: માતાના મઢ મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરના જણાવ્યા મુજબ માતાના મઢ મંદિરમાં જે માઁ આશાપુરાની મૂર્તિ છે. તે સ્વયંભુ પ્રગટ થઈ હતી અને માતાના મઢમાં આશાપુરા માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ રહેલી છે. એક દંતકથા મુજબ કચ્છની દેશદેવી માઁ આશાપુરાનું પ્રાગટ્ય 1500 વર્ષ પહેલાનું છે.
એક વખત દેવચંદ નામનો મારવાડી જૈન વાણીયો વેપાર અર્થે કચ્છ આવ્યો હતો અને વેપારના આશયથી કચ્છમાં ફરી રહ્યો હતો. આ વેપારી કચ્છના વિવિધ વિસ્તારો ફરતા ફરતા આજે જ્યાં આશાપુરા માતાજી બિરાજમાન છે. તે સ્થળે પહોંચી આવ્યો હતો. વાણિયો વેપારી જે સમયે આ સ્થળે પહોંચ્યો ત્યારે આસો મહિનાનો નવરાત્રિનો સમય ચાલતો હતો. દેવચંદ વેપારીએ આ જગ્યા પર માતાજીની સ્થાપના કરી અને ત્યારથી દરરોજ તે સાચા દિલથી ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરવા લાગ્યો હતો.
વેપારીના સ્વપ્નમાં માતાજીએ આપ્યા દર્શન: વેપારી દેવચંદે માઁ આશાપુરાની સ્થાપના ક૨ી પછીથી તે આખો દિવસ માતાજીની ભકિત કરવામાં લીન રહેતો હતો. ત્યારે એક વખત માતાજી વેપારી દેવચંદની ભકિત જોઈને માતાજી પ્રસન્ન થાય છે અને વાણીયાને સ્વપ્નમાં દર્શન આપી કહે છે કે, દિકરા હું તારો ભક્તિભાવ જોઈને ખુશ થઈ છું અને તને દર્શન આપવા આવી છું. જે જગ્યા પર તું રોજ મારી પૂજા-ભકિત કરે છે. એ જ જગ્યા પર મારું મંદિર બનાવી મારી પૂજા-ભકિત કરજે. પરંતુ મારુ મંદિર બનાવ્યા બાદ 6 મહીના સુધી મંદિરના દરવાજા ખોલતો નહી.
મંદિરના દ્વાર ન ખોલવા માતાજીનો હુકમ:વેપારી દેવચંદ પોતાના સ્વપ્નમાં માતાજીના દર્શન થતા ખુશ ખુશાલ થઇને માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી જ્યાં મંદિર છે ત્યાં આવી રહેવા લાગે છે. માતાજીના જણાવ્યા મુજબ મંદિર બનાવીને પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગી જાય છે અને મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતા દેવચંદને 5 મહિના જેટલો સમય પસાર થઈ ગયો હતો. ત્યારે એક દિવસ એવી ઘટના ઘટી કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝરનો મધુર અવાજ અને ગીતનો અવાજ સંભળાય છે. જે સાંભળી વેપારી દેવચંદ માતાજીએ 6 મહિના સુધી દ્વાર ન ઉઘાડવાની વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી નાખે છે અને મંદિરની અંદર પ્રવેશ કરે છે. દેવચંદ જેવો મંદિર અંદર પ્રવેશ કરે છે તેની સાથે જ તેને અલૌકિક અહેસાસ થાય છે અને તેને દેવી માઁ ની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે.
વેપારીની ભૂલના કારણે માતાજીનું પ્રાગટ્ય અધૂરું: દેવચંદે 6 મહિનાની જગ્યાએ 5 મહિનામાં જ મંદિરના દ્વાર ખોલી નાખ્યાં હતાં. જેથી કરીને માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું. જેના માટે વેપારી દેવચંદે પોતાની ભૂલ સ્વીકારીને માતાજીના ચરણોમાં પડીને માફી માંગી હતી. ત્યારે દેશદેવી માં આશાપુરાએ વેપારીને જણાવ્યું કે, તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ દેવચંદની ભક્તિથી માતાજી પ્રસન્ન થયા છે તેવું તેને જણાવીને વેપારી દેવચંદને વરદાન માંગવા કહ્યું તેથી વેપારીએ પુત્ર પ્રાપ્તિની માંગણી કરી જેના બદલે માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. માતાજીએ વેપારીની આશા પૂર્ણ કરી અને વેપારીને પુત્રરત્ન પ્રાપ્ત થયો જેથી તેને આશાપુરી કહેવાય છે.