ડાંગ ફોરેસ્ટ અધિકારીઓ પર અસામાજિક તત્વોનો હુમલો (Etv Bharat Gujarat) ડાંગ:જિલ્લાનાં સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ સ્થળોએ ફોરેસ્ટ અધિકારીઓ પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો. ડાંગ જિલ્લાનાં બરડીપાડા (કાલીબેલ ) તથા સુબીર તાલુકાના ઢોંગીઆંબા ગામ ખાતે વન વિભાગનાં કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપનાર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
કર્મચારીઓને દંડાથી માર મારવામાં આવ્યો:બંને સ્થળો પર કેટલાક અસામાજીક તત્વોએ વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ અસામાજિક તત્વો દ્વારા વન વિભાગના કર્મચારીઓને દંડાથી માર મારવામાં આવ્યો હતો. સુબીર તાલુકાના ઢોંગીઆંબા ગામ ખાતે પણ જોવા મળી હતી. જેમાં (1) વિશાલભાઈ સુરેશભાઈ ભુર કુંડ, (2)આશીષભાઈ ગમુભાઇ લોતીયા, (3)કમલેશભાઈ સતરુભાઈ પવાર, (4) હરેશભાઈ સતરુભાઈ પવાર (ચારેય રહે . ઢોંગીઆંબા તા.સુબીર જી.ડાંગ)ના રહેવાસી છે.
ચાર આરોપીઓની મુદ્દામાલ સાથે અટકાયત: આર.એફ.સી.નં-162 માંથી સાગના લાકડા કાપીને બે અલગ અલગ બળદગાડામાં ભરી લઇ જઇ રહ્યા હતા. તે દરમ્યાન વન વિભાગના કર્મચારીઓએ પોતાના સહ કર્મચારીઓ સાથે મળીને આ ચાર આરોપીઓની મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. જે બાદ ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓએ ચારેય આરોપીઓને આર.એફ.સી. નંબર 162માં લઇ જઈ કાર્યવાહી ચાલુ કરી હતી. તે વખતે ઢોંગીઆંબા ગામના રૂઈપાડા ફળીયાના 100 થી 125 જેટલા માણસોના ટોળાએ બળદ ગાડા પાસે મુકેલ સરકારી વાહન તથા ત્રણ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા.
ઈસમે બીટગાર્ડને ફોન કરી માહિતી આપી:ટોળાના આ ઇસમો પૈકી એક ઈસમે બીટગાર્ડ શિવરામભાઈના મોબાઇલ ઉપર ફોન કરેલ અને જણાવેલ કે,"તમે જે જંગલમાં અમારા ગામના માણસોને લાકડા ચોરીમાં પકડેલ છે તેઓને અમોને સોપી દો અને તમારા જંગલખાતાના માણસો ને લઈ જાવ." જે બાદ કાલીબેલ રેંજનાં ચીખલા રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા રમેશ ચિમન ગાવિત તથા ફોરેસ્ટ કર્મચારીઓ પ્રાઈવેટ જીપ લઈ ઢોંગીઆંબા ગામના રૂઇપાડા ફળીયામાં ગયા હતા. ત્યારે અહી ટોળાએ એક સંપ થઈ જીપગાડીમાં બેસેલ ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓને લાકડાના દંડાથી તથા પથ્થરોથી તથા ધારદાર હથીયાર (કોપતા) થી મારી નાખવાના ઇરાદાથી માર માર્યો હતો.
આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી: આ જ પ્રકારની ઘટના ડાંગ જિલ્લાનાં બરડીપાડા ફોરેસ્ટ રેન્જ ઓફિસમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા મેઘજીભાઈ પેથાભાઈ ટોયટાએ બાતમીના આધારે આર.એફ.સી. નંબર-65 માં ગેરકાયદેસર રીતે ખૈરના ઝાડ કાપનાર સુરેશભાઈ શંકરભાઈ ડબકીયા (રહે.ભાલખેત તા.વઘઈ જી.ડાંગ )ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જે બાદ બરડીપાડા રેન્જ ઓફિસ ખાતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
વન વિભાગના કર્મચારીઓને મૂઢ માર મારવામાં આવ્યો: તે દરમિયાન શંકરભાઈ લક્ષ્યાભાઈ ડબકીયા (રહે.ભાલખેત તા.વઘઈ જી.ડાંગ ) તથા અન્ય 13 જેટલા અજાણ્યા ઈસમો ટોળું બનાવીને ઓફિસમાં ઘૂસી ગયા હતા. આ ટોળાનો હેતુ સુરેશ શંકરભાઈ ડબકીયાને છોડાવવાનો હતો, ત્યારે આ ટોળાએ સાથે મળી બીટગાર્ડ તથા અન્ય કર્મચારીઓને દંડા વડે તથા ઈંટો વડે છુટા ઘા કર્યા હતા. તેમજ આ ટોળા દ્વારા વન વિભાગના કર્મચારીઓને મૂઢ માર મારવામાં આવ્યો હતો.
બંને ટોળાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ: રેન્જ ઓફિસમાં સરકારી ફાઈલો તથા અન્ય ચીજ વસ્તુઓ વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યુ હતુ. તેમજ આ ટોળા દ્વારા આરોપી સુરેશ શંકરભાઈ ડબકીયાને ગેરકાયદેસર રીતે છોડાવી લઈ ગયા હતા. આ બંને ઘટનાને લઈને વન વિભાગના કર્મચારીઓએ આરોપીઓ તથા બંને ટોળાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સુબીર પોલીસે બન્ને ઘટનાઓને લઈને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
- વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભગવો લહેરાયો, ભાજપના ધવલ પટેલ 2,13,628 મતોથી વિજયી બન્યા - Lok Sabha Election Results 2024