ભરૂચઃઅંક્લેશ્વરની ડિટોક્સ ઈન્ડિયા કંપનીમાં વેલ્ડીંગ દરમિયાન બ્લાસ્ટની ઘટના ઘટી છે. પ્રારંભીક ધોરણે આ ઘટનામાં ચાર વ્યક્તિના મોતના અહેવાલ સામે આવ્યા છે જ્યારે અહીં હાજર લોકો દ્વારા બ્લાસ્ટના સ્થળ પર 10થી 12 વ્યક્તિ હજુ પણ મળી રહ્યા ના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ મામલે ઓફિશ્યલ નિવેદન આપતા કંપની અને તંત્રના અધિકારીઓએ કહ્યું છે કે ચાર વ્યક્તિ ત્યાં કામ કરતા હતા અને તેમના મોત થયા છે, અન્ય કોઈ કેઝ્યૂલિટી ના હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું છે. આ ઘટનામાં ધડાકો એટલો પ્રચંડ હતો કે એક મૃતદેહ બનાવ સ્થળથી અંદાજે 100 મીટર જેટલી દૂરથી મળી આવ્યો હતો. મામલાને લઈને કંપની પર સ્થાનીકો અને કંપનીમાં કામ કરતા લોકો ઉપરાંત તેમના પરિવારજનો દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંક્લેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડિટોક્સ ઈન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે એક બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. રેલીંગ પર વેલ્ડીંગ દરમિયાન આ ઘટના બની હોવાનું હાલ પ્રારંભીક ધોરણે સામે આવી રહ્યું છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટ પરના ચાર વ્યક્તિના મોત થયા છે. જેમાં સારંગપુરના યોલેશ રામ, બિહારના મૂકેશ સિંગ, યુપીના હરીનાથ યાદવ અને અશોક રામહુકમ વેલ્ડીંગની કામગીરી કરી રહ્યા હતા. તેઓ કંપનીમાં ફીડ ટેંકમાં રેલીંગ પર વેલ્ડીંગ કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. આ કામદારોના મૃત્યુ થયાની વિગતો સામે આવી છે. સાથે જ બ્લાસ્ટને કારણે તેઓ દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. તેમના કમકમાટી ભર્યા મોતથી પરિવારજનો દ્વારા ભારે આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું.
પ્લાન્ટની બહાર આ ઘટનાને લઈને કામદારોમાં અફરાતફરી મચી ગઈ છે. કામદારો, સ્વજનો અને સ્થાનીકો આ સ્થળ પર દોડી આવ્યા છે. લોકો દ્વારા કંપનીમાં શું કામગીરીઓ ચાલી રહી છે તેની પૃચ્છા કરવામાં આવી રહી છે. જોકે તેમને હજુ સંતોષકારક જવાબ નહીં મળતા તેમણે આ મામલે અહીં ધરણા પ્રદર્શન પણ શરૂ કરી દીધા છે.
આ અંગે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જિજ્ઞા ચૌહાણે કહ્યું કે, અહીં ડિટોક્સ કંપનીમાં આજે બપોરે બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટના 12.40 કે 12.45 દરમિયાન આ ઘટના બની હતી. અહીં ફીડ ટેન્કમાં ટેન્કની ઉપર રેલિંગ લગાવવાની કામગીરી કરતા વખતે આ ઘટના બની છે. આ ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયા છે. આ ઘટના અંગે કંપની દ્વારા 1 વાગ્યા આસપાસ ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી.
અંક્લેશવ SDM ભવદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આજરોજ 1 વાગ્યાની આસપાસ ડિટોક્સ કંપનીમાં બોઈલર પર સેફ્ટીનું કામ કરતા આ બ્લાસ્ટ થયો હતો. જેમાં ચાર વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. આ મૃતદેહોના પોસ્ટ મોર્ટમ કરી તપાસ આરંભવામાં આવી છે.
કંપનીના જનરલ મેનેજર ધર્મેન્દ્ર ચોટાલા એ કહ્યું કે, આજે સવારે કંપનીમાં પંચમુર્તિ ફેબ્રિકેટર તરીકેનો કોન્ટ્રાક્ટ ચાલે છે. જે અંતર્ગત ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાની કામગીરીની પરવાનગી આપવામાં આવી હતી. અંદાજે 12.40 કલાક આસપાસ એક જોરદાર અવાજ આવ્યો. અમે તે તરફ દોડ્યા અને જોયું તો ટેન્કની જે રુફ હોય જેને ડિસેન્ડ કહેવાય તે ફેંકાઈને અંદાજે 15થી 20 મીટર દૂર જઈને પડી હતી. ત્યાં બે શ્રમીક માણસના મૃતદેહ જોવા મળ્યા હતા. પછી અમે તપાસ કરી તો અહીં ચાર વ્યક્તિ કામ કરતા હતા. જેમાંથી બે વ્યક્તિના મૃતદેહ શોધતા એક ગેટની પાછળના ભાગેથી મૃત અવસ્થામાં મળ્યો હતો. જ્યારે બીજો વ્યક્તિ કંપનીની બાઉન્ડ્રીની બહારથી મળ્યો હતો. તંત્રને કોઈ લેટ જાણકારી આપી નથી. ઘટના બની અમે અહીં આવ્યા શક્ય એટલું ઝડપી અમે સંપર્ક કર્યો છે. લગભગ 1 વાગ્યા સુધી અમે દરેકને જાણ કરી દીધી હતી. હાલ પ્રારંભીક વિગતો છે, હજુ વધારે તપાસથી વધારે જાણકારી આવશે. કંપની મેનેજમેન્ટ કામદારોના પરિવારને શક્ય એટલી સહાય કરવા નિર્ણય કરશે.
આ અંગે ડેડિયાપાડાના સાંસદ ચૈતર વસાવાએ કહ્યું કે, 12.40નો બનાવ છે છતા કંપનીએ પરિવારોને ઘણા મોડા જાણ કરી છે. ચાર કામદારોની સેફ્ટીને અવગણીને કેમ કામ કર્યું. તેમના પરિવારોમાં નાના બાળકો છે. દરેક પરિવારને વ્યક્તિદીઠ 1-1 કરોડ વડતર ચૂકવાય, વીમો આપવામાં આવે અને બાળકો અને પરિવારને માનવતાની રીતે જે પણ મદદ કરવાની થાય તે કરવા અમે કંપનીને વિનંતી કરીએ છીએ. કંપની નજીવી રકમ આપવાની વાત કરે છે. મેનેજમેન્ટે સાંજના 4.30 સુધી કોઈને કહ્યું નહીં કે આવી સ્થિતિ થઈ છે, પરિવારને જાણ મોડી કરવામાં આવી છે. હમણાં જ અમે પરિવારજનોને મળ્યા છીએ.
- રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ સાથે મારામારીની ઘટનામાં PI પાદરીયાને નોટીસ પાઠવી મુક્ત કરાયા
- સુરતમાં ચપ્પુ બતાવી લૂંટ કરતી ગેંગનો થપ્પો, ચાર સાગરીતોએ કરેલી કબૂલાત વાંચોને ચોંકી જશો