સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં 3 માસની એક બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. પ્રકાશ નારાયણ મિશ્રા નામના વ્યક્તિની 3 માસની દીકરીને છેલ્લા બે મહિનાથી ઝાડાની તકલીફ હતી, જેના કારણે તેને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવી પડતી હતી.
બાળકીને 8-10 દિવસમાં જ ફરીથી હોસ્પિટલમાં લાવવી પડી
બાળકીને પ્રથમ વખત 7-D વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં 7 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી. પરંતુ ઘરે ગયા બાદ તેની તબિયત વધુ બગડતાં 8-10 દિવસમાં જ ફરીથી હોસ્પિટલમાં લાવવી પડી, જ્યાં તેને 7-C વોર્ડમાં દાખલ કરવામાં આવી. 27 ડિસેમ્બર સુધીની સારવાર બાદ ફરી રજા અપાઈ, પરંતુ નિયમિત દવા છતાં તેની સ્થિતિમાં સુધારો થયો ન હતો.
બાળકીનું મોત થતાં પરિવારમાં આક્રંદ (Etv Bharat Gujarat) સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ
છેલ્લી વખત જ્યારે બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી, ત્યારે તેના મોઢામાંથી લોહી નીકળ્યું હતું, અને થોડા સમય બાદ તેને મૃત જાહેર કરવામાં આવી. પરિવારે તબીબી બેદરકારીનો આરોપ મૂકતાં હોસ્પિટલના મહિલા સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
બાળકીના મોત બાદ આક્રંદ કરતી માતા (Etv Bharat Gujarat) હોસ્પિટલના તબીબે સામે પરિવાર પર જ લગાવ્યો બેદરકારીનો આરોપ
હોસ્પિટલના ડૉ. જીગીશા પાટડીયાના જણાવ્યા અનુસાર, બાળકી અત્યંત નબળી હતી, અને તેના માતા-પિતા યોગ્ય કાળજી લેતા ન હતા. છ માસ સુધી માતાના ધાવણને બદલે બોટલથી દૂધ પીવડાવવાના કારણે બાળકી વારંવાર બીમાર પડતી હતી. આ અંગે પરિવારને અનેક વખત સમજાવવામાં આવ્યું હતું. હવે તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ સત્ય બહાર આવશે કે, આ મામલામાં ખરેખર તબીબી બેદરકારી હતી કે નહીં ?
- ધ્રુસકે ધ્રુસકે રડ્યો સ્મિત, જ્યારે સુરત પોલીસ એ જ રુમમાં લઈ ગઈ જ્યાં પુત્ર-પત્નીને રહેંસી નાખ્યા હતા
- વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : સુરતમાં ધોળા દિવસે બાળકીઓની છેડતી, આરોપી ઝડપાયો