મોરબી:કડવા પાટીદાર સમાજ માટે આસ્થાના કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે રાજકોટમાં રૂ.20 કરોડના ખર્ચે ઉમા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કડવા પાટીદાર સમાજ દ્વારા કળશ યોજના જાહેર કરવામાં આવી છે.
ભેગી કરાયેલી રકમ સમાજના ઉત્કર્ષ માટે વપરાશે: આ યોજનામાં સૌરાષ્ટ્રના 70 હજાર પરિવાર જોડાયા છે. જે પરિવારો જોડાયા છે, તેઓ રોજે- રોજ એક રૂપિયો ભેગો કરે છે. આ રકમ સમાજના ઉત્કર્ષ માટે વાપરવામાં આવશે. પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે રૂ. 500 કરોડની ત્રીજી સમૃદ્ધિ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટના ઈશ્વરિયા ખાતે રૂ.125 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલ ઊભું કરાશે. જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ સહિતની તમામ સુવિધા મળી રહેશે.
રાજકોટમાં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણધામનું નિર્માણ કરાશે (Etv Bharat Gujarat) 125 કરોડના ખર્ચે છાત્રાલયનું નિર્માણ કરાશે: આ ઉપરાંત રૂ. 40 કરોડના ખર્ચે રાજકોટમાં ગોવાણી કુમાર છાત્રાલયનું નવનિર્માણ કરવામાં આવશે. આજથી 100 વર્ષ પહેલાં પાટીદાર સમાજના ભામાશાઓએ છાત્રાલય-પાટીદાર ભવન શરૂ કરી પાટીદાર સમાજની પ્રગતિના દ્વાર ખોલ્યા હતા. તેમાં એક નવું મોરપીંછ ઉમેરવામાં આવ્યું છે. રાજકોટ ઉપરાંત અમદાવાદમાં 1000 દીકરા-દીકરીઓ માટે રૂ.125 કરોડના ખર્ચે છાત્રાલય નિર્માણ કરાશે. કડવા પાટીદાર સમાજ દ્વારા આ ત્રીજી સમૃદ્ધિ યોજના જાહેર કરવામાં આવી છે.
કળશ યોજના થકી સામાજિક ક્ષેત્રે બદલાવ: પ્રથમ યોજના વર્ષ 1999માં રૂ. 51 કરોડની હતી. જ્યારે બીજી યોજના માટે વર્ષ 2012માં રૂ. 100 કરોડની યોજના જાહેર કરાઇ હતી. ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ જણાવ્યું હતું કે, સવા શતાબ્દી મહોત્સવ થકી પાટીદાર સમાજને એક છત્ર હેઠળ લાવી સહિયારા પુરુષાર્થ થકી સમાજ ઉપયોગી પ્રવૃત્તિની કેડી કંડારવા આહ્વાન કર્યું છે. ઉમિયાધામ સિદસર ખાતે ડિસેમ્બર 2024માં સવા શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. તેમજ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે અને સમાજના સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને પણ મેડિકલ માટે મદદ મળી રહે તે માટે કળશ યોજનાને પ્રોત્સાહન આપવામાં આવશે. કળશ યોજના થકી સામાજિક ક્ષેત્રે નવો બદલાવ આવ્યો છે.
હોસ્ટેલ સહિતની સુવિધાઓ આપવામાં આવશે: વધુમાં મંત્રી જયેશ પટેલે જણાવ્યું હતું કે, ઉમિયાધામ સિદસર સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને ઉન્નતી માટે કાર્ય કરે છે. જેના ભાગરૂપે રાજકોટના ઈશ્વરીયા નજીક શિક્ષણધામ બનાવવાનું આયોજન વિચારણામાં છે અને ત્યાં લગભગ 2500 વિદ્યાર્થીઓ માટેનું એક શૈક્ષણિક ધામ તૈયાર થાય તેવું આયોજન છે. ખાસ કરીને નવોદય વિધાલયની પેટર્ન છે, તે આધારિત વિદ્યાર્થીઓને ભણવાની સાથે રહેવાની સુવિધા આપવામાં આવશે. તેના આધારિત સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે વ્યાવસાયિક તાલિમ મળે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 125 કરોડના ખર્ચે સંકુલ તૈયાર થશે. પ્રથમ તબક્કામાં 50 કરોડના ખર્ચે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું આયોજન છે.
આ પણ વાંચો:
- SC તરફથી બાયજુને મોટો ફટકો, નાદારીની કાર્યવાહી રોકવાનો NCLATનો નિર્ણય નકારાયો
- ઓડિશા: ચક્રવાત 'દાના'ના વિનાશથી 10 લાખ લોકોને બચાવવા સરકારના પ્રયાસો