અમરેલી :ગુજરાતભરમાં બહુચર્ચિત અમરેલી પત્રિકા કાંડ મામલે બુધવારના રોજ ગુજરાત હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક અમરેલી આવ્યા હતા. આ દરમિયાન તેઓ પાટીદાર દીકરી પાયલ ગોટીની મુલાકાત કરી હતી. ત્યારબાદ યુવતીનું નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.
પાટીદાર દીકરીની મુલાકાતે હાઈકોર્ટના વકીલ :અમરેલી પત્રિકા કાંડ અને પાટીદાર દીકરીની અટકાયત કરવા અને સરઘસ કાઢવા મામલે છેલ્લા 8 દિવસથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. અનેક પક્ષના નેતાઓ અને સામાજિક આગેવાનો આ મુદ્દે નિવેદન આપી વિરોધ નોંધાવી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત હાઇકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિક પણ અમરેલી આવ્યા હતા.
"અમરેલીના પોલીસ અધિક્ષક મુખ્ય ગુનેગાર છે": એડવોકેટ આનંદ યાજ્ઞિક (ETV Bharat Gujarat) "અમરેલીના પોલીસ અધિક્ષક મુખ્ય ગુનેગાર છે.": એડવોકેટ આનંદ યાજ્ઞિક
બીજી તરફ પોલીસ સામે એડવોકેટ આનંદ યાજ્ઞિકે પ્રહારો કર્યા હતા. આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, અમરેલીના પોલીસ અધિક્ષક મુખ્ય ગુનેગાર છે. પોલીસની બનાવેલી સીટ ટીમ સામે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. જે લોકોએ પાયલને રાત્રે લઈ ગયા અને કથિત રીતે માર માર્યો હતો તે પોલીસ સામે પગલાં ભરવા જોઈએ.
હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે :આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, 2 દિવસમાં નામદાર હાઈકોર્ટમાં અમે રજૂઆત કરીશું અને પિટિશન દાખલ કરવામાં આવશે. દીકરીને સ્વમાન પાછું જોઈએ અને પોલીસ સામે FRI થાય તે જરૂરી છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ સીટ ટીમ પર ભરોસો નથી. આ તકે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ પ્રોટેક્શન અંગે સવાલ :પાયલ ગોટી સાથે બેઠક કરી તેમનો પક્ષ જાણ્યા બાદ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, પોલીસ મિત્ર છે. પોલીસ રક્ષક છે. સાથે જ પાયલ ગોટીના ઘર બહાર રહેલા પોલીસ પ્રોટેક્શન અંગે એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ સાથે વાતચીત કરી છે. વકીલોની ટીમ સાથે જેની ઠુમ્મર પીડિતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને પીડિતા પાયલ ગોટીનું નિવેદન લઈને ફરિયાદ લખવાની કાર્યવાહી થઈ છે.
- અમરેલી પત્રિકા કેસમાં SITની રચના, યુવતીએ કર્યા પોલીસ વિભાગ પર આક્ષેપ
- અમરેલી પત્રિકા કાંડ: પાટીદાર દીકરીનો જેલમાંથી બહાર આવતા જ મોટો આક્ષેપ