અમરેલી: નકલીનો વાવળ એવો ચાલ્યો છે કે છે ખરા ખરા ખેલ જોવા મળી રહ્યા છે. નકલી ડૉક્ટર, કચેરી, અધિકારી, જજ, નકલી હોસ્પિટલસ, નકલી ખાદ્ય વસ્તુઓ વગેરે વગેરે... બાદ હવે નકલી પોલીસ ઝડપાયો છે અને એમાંય જ્યારે તેને ઝડપવામાં આવ્યો ત્યારે આરોપી પોલીસ ડ્રેસમાં હતો અને પોલીસ સિવિલ ડ્રેસમાં હતી, જેને લઈને લોકોમાં પણ આ દ્રશ્ય ચર્ચાનું કારણ બન્યું હતું. અમરેલી જિલ્લામાં એલસીબી દ્વારા નકલી પોલીસ બની ફરી રહેલા યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. જિલ્લા એલસીબી દ્વારા રાહુલ વસાવા નામના તાપી જિલ્લાના વતની યુવકને પોલીસે ઝડપી લીધો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ, બેલ્ટ, શુઝ તેમજ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આ નકલી પોલીસ ઝડપાયો કેવી રીતે?ઘટના એમ બની હતી કે, એલસીબીના માણસો પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન અમરેલી શહેરમાં આવેલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં નકલી પોલીસ બની એક યુવક ધાક જમાવી રહ્યો છે તેવી માહિતી તેમને મળી હતી. આ મળેલી માહિતીના આધારે અમરેલી જિલ્લા એલસીબી દ્વારા યુવકને ઝડપી લેવામાં આવ્યો અને તેની પૂછપરછ કરતા નકલી પોલીસ હોવાનું સામે આવતા સીટી પોલીસને આરોપીને સોંપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી કુલ રૂપિયા 4000 નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.