સુરત: શહેરના સચિન વિસ્તારના તલંગપુર ગામમાં રહેતા શ્રમજીવી પરિવારનો બે વર્ષીય બાળક ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે ખુલ્લી જગ્યામાં રહેલી ગટરમાં અકસ્માતે પડી ગયો હતો. આ ગટરમાં આસપાસની ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કેમિકલયુક્ત ગંદું પાણી છોડવામાં આવે છે. ફાયરબ્રિગેડની ટીમે આ મામલે શોધખોળ હાથ ધરતા બાળકનો મૃતદેહ ખુલ્લી ગટરમાંથી મળી આવ્યો હતો.
રમતા-રમતા ગટરમાં ખાબક્યો: બનાવની મળતી માહિતી અનુસાર, મૂળ ઓરિસ્સામાં ગંજામના વતની અને હાલ સુરતના તલંગપુર ગામમાં આવેલા રાજપૂત ફળિયા પાસે તેજસ ચૌહાણની ચાલમાં મનોજ ગોડે તેના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એકનો એક બે વર્ષીય દિકરો શુભમ હતો. તે સચિન જીઆઈડીસીમાં આવેલા સંચાખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુભમ ઘર પાસે ગટર લાઈન નજીક રમી રહ્યો હતો ત્યારે રમત રમતમાં અચાનક ગટરમાં ખાબક્યો હતો.
બે વર્ષીય બાળકનો મૃતદેહ મળ્યો: ત્યારબાદ મોડી સાંજ સુધી શુભમ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી રહી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી. શોધ ખોળ બાદ પણ મોડી રાત સુધી શુભમની કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમ આ મામલે ઘટના સ્થળે પહોંચીને નજીકમાં રહેલી ગટરમાં શોધખોળ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત બાદ ગટરમાંથી શુભમ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આ પણ વાંચો: