અમરેલી: જિલ્લાના બાળકો શાળાઓમાં તેમજ અન્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ અલગ અલગ ક્ષેત્રોમાં ચમકી રહ્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા યુવકે હાર્મોનિયમ વાદનમાં રાજ્ય કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર સાવરકુંડલાનું નામ રોશન કર્યું છે.
રાજ્ય કક્ષાએ હાર્મોનિયમ વાદનમાં બીજો નંબર લાવનાર યુવક અન્ય કોઈ નહીં પણ કલરવ બગડા છે. પોતે મેળવેલ સિદ્ધિ વિશે વાત કરતાં કલરવ જણાવે છે કે, તે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. કોલેજમાં યોજાયેલ યુથ ફેસ્ટિવલના કાર્યક્રમમાં કલરવે ભાગ લીધો હતો અને અહીં તેણે હાર્મોનિયમ વાદનમાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં તેણે બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ યુથ ફેસ્ટિવલની ઇવેન્ટ રાજકોટમાં યોજાઇ હતી. ગયા વર્ષે પાટણ ખાતે યોજાયેલી યુથ ફેસ્ટિવલનીમાં પણ કલરવે હાર્મોનિયમ વાદનમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આમ કલરવ છેલ્લા બે વર્ષથી સતત હાર્મોનિયમ વાદનમાં પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરી રહ્યો છે.
કલરવ વધુમાં જણાવતા કહ્યું કે, તે છેલ્લા 10 વર્ષથી સાવરકુંડલા શહેરમાં આવેલી માધવ પરિવાર સંગીત શાળામાં હાર્મોનિયમ વાદન, તબલા તેમજ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનું જ્ઞાન મેળવી રહ્યો છે અને રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ નંબર મેળવી રહ્યો છે. આમ, હાર્મોનિયમ વાદનમાં સતત બે વર્ષથી પ્રથમ અને બીજો નંબર મેળવી રહેલો કલરવ હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી યુથ ફેસ્ટિવલની તૈયારી કરી રહ્યો છે.