અમરેલી: દેશના પ્રધાનમંત્રી ગુજરાત મુલાકાતમાં આ વખતે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ લાઠીના સોલાર ગામ એવા દુધાળાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમના દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થનાર છે. આમ, ગુજરાત રાજયને જળસંચય, રેલવે, માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે. આ દરમિયાન એક નવું કર્યા પણ પૂર્ણ થયું છે જે છે કે ગાગડીયો નદીનું પુનસર્જન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનનાં સહભાગીદારીથી અમરેલી જિલ્લાના લાઠી અને લીલીયા તાલુકામાં આવેલ ગાગડીયો નદી પર જળ સંગ્રહના ઘણા કાર્યો થયા છે.
જાણવા જેવી બાબત એ છે કે, ગાગડીયો નદીનો ઉદ્ભવ બાબરા તાલુકાના ચમારડી ગામે થાય છે. ગાગડીયો નદી 53 કિમી લંબાઇ ધરાવે છે. શેત્રુંજી નદી સાથેનું તેનું સંગમ સ્થાન ક્રાંકચ ગામેથી છે. ગુજરાત સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનનાં સહભાગીદારીથી થયેલા કામમાં હરસુરપુરથી ક્રાંકચ સુધીમાં ગાગડીયો નદીને 29 કિમી લંબાઇમાં રૂપિયા 35 કરોડના ખર્ચે ઉંડી અને પહોળી કરવાની કામગીરીનો પ્રારંભ વર્ષ 2017માં થયો હતો. આ કામગીરીમાં 30 સરોવર, 5 નવા ચેકડેમ અને 5 ચેકડેમ રિપેરિંગ સહિતના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.