અમદાવાદ:શહેરમાં રોડ રસ્તા અને જાહેર સ્થળો પર પાન-તમાકુ ખાઇને થૂકતા લોકો શહેરની સુંદરતા બગાડે છે. ત્યારે આ બાબતે કડક પગલાં લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એ અગત્યનું નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરના જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારતા લોકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. રસ્તા ઉપર થૂકીને કે પાન મસાલાની પિચકારી મારીને રસ્તો ગંદો કરતા લોકો વિરૂદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે.
AMC નો સોલિડ વેસ્ટ વિભાગ કાર્યવાહી કરશે:ચાર રસ્તા પર લગાડવામાં આવેલા ટ્રાફિક CCTV કેમેરા અત્યાર સુધી માત્ર ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા લોકોને મેમો આપતા હતા. ત્યારે હવે આ કેમેરા દ્વારા જાહેર રસ્તાને ગંદો કરતા અને શહેરમાં ગંદકી ફેલાવતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આ કેમેરામાં જો તમે જાહેર રસ્તા પર પાન મસાલાની પિચકારી મારતા કે થૂંકતા પકડાશો, તો તમારે દંડ ભરવો પડશે અને તમારા વિરૂદ્ધ અમદાવાદ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ વિભાગ કાર્યવાહી કરશે.
મેમો સીધો ઘરે પહોંચશે:જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારતા અથવા થૂંકીને રસ્તો ગંદો કરતા લોકોને સીધા ટ્રાફિક CCTV કેમેરા દ્વારા પકડવામાં આવશે, તેમનો વીડિયો ઉતારી લેવામાં આવશે, તેમના વાહન આધારે તેના ઘરનું સરનામું નીકાળીને સીધા તેમના ઘરે જઈને દંડની વસૂલી કરવામાં આવશે. વધુમાં જાહેર પણ થૂકતાં અને ગંદકી ફેલાવતા લોકોનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે.