અમદાવાદ :છેલ્લા લાંબા સમયથી અમદાવાદ શહેરમાં અકસ્માત સર્જાવાનો સિલસિલો યથાવત છે. દિવસેને દિવસે હિટ એન્ડ રનના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાની AMTS અને BRTS બસના કારણે અકસ્માત સર્જાયા, ત્યારે હવે AMC ટીપર વાનની અડફેટે એક માસૂમ બાળકીનો ભોગ લેવાયો છે.
અમદાવાદમાં બેફામ દોડતી AMCની કચરાની ગાડીએ માસૂમ બાળકીનો જીવ લીધો, ટક્કર મારી ચાલક ફરાર - AHMEDABAD ACCIDENT
અમદાવાદમાં હાલ સુધી AMTS અને BRTS બસના અકસ્માત થતા હતા. હાલમાં અમદાવાદ મહાનગરપાલિકાની ટીપરવાને એક અકસ્માત સર્જ્યો છે, જેમાં એક માસૂમ બાળકીનો જીવ ગયો છે.
Published : Dec 31, 2024, 7:28 PM IST
AMC ટીપર વાનની અડફેટે બાળકીનું મોત :આજે 31 ડિસેમ્બર વહેલી સવારે અમદાવાદના સરસપુર વિસ્તારમાં સ્થિત પરમાનંદની ચાલી પાસે રહેતી અને ધોરણ પાંચમાં અભ્યાસ કરતી એક બાળકી સાયકલ લઈને શાળાએ જતી હતી. ત્યારે પૂરઝડપે આવતી અમદાવાદ મહાનગરપાલિકાની ટીપરવાન દ્વારા અચાનક બાળકીને ટક્કર વાગી હતી. આ બનાવમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. અકસ્માત સર્જનાર વાહનચાલક ત્યાંથી નાસી ભાગ્યો હતો.
અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ :આ અંગે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI દેસાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘટના વિશે સ્થાનિકો સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. હાલ પ્રાથમિક તપાસમાં મળતી માહિતી પ્રમાણે ટીપર વાન દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો, જેમાં એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલકને શોધીને તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.