ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં ઉત્તરાયણ (Uttarayan 2025)નો માહોલ જામ્યો છે. ઉત્તરાયણના માહોલ વચ્ચે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel)દ્વારા આગામી હવામાનને લઈને વરતારો (Weather Updates) કરવામાં આવ્યો છે. જ્યાં એક તરફ તેમણે થોડા દિવસ પહેલા ઉત્તરાયણમાં પવન સામાન્ય રહેવાની વાત કરી હતી અને ક્યાંક છૂટા છવાયા છાંટા પડવાની વાત કરી હતી ત્યાં હવે ફરી તેમણે જે વરતારો કર્યો છે તેમાં તેમણે ગરમી વધી જવાની વાત કરી છે. તેમના કહ્યા અનુસાર 14, 15, 16મી જાન્યુઆરી પછી ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં તાપમાન વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. તેમણે અગાઉ કરેલી આગાહી પ્રમાણે રાત્રી દરમિયાન ઠંડી પણ જામીને પડી રહી છે. તેવા સંજોગોમાં હવે આગામી ચાર પાંચ દિવસ પછી તેમનું કહેવું છે કે મહત્તમ તાપમાન 30 સુધી જઈ શકે છે. મતલબ કે જ્યાં ઉનાળો હજુ પાપા પગલી પણ નથી ભરી રહ્યો ત્યાં તાપમાન ઊંચું રહે તો આગામી ઉનાળાની તો કલ્પના જ શું કરવી.
પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ આવશેઃ અંબાલાલ
અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી દિવસો અંગે જોઈએ તો હવે ઠંડીમાંથી રાહત મળી છે પરંતુ તા. 14, 15, 16માં ઠંડીમાંથી એકદમ રાહત મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન 20 ડિગ્રી સે. અને મહત્તમ તાપમાન 32, 33 ડિગ્રી ક્યારેક 35 ડિગ્રી સે. સુધી જવાની શક્યતા રહેશે. સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ ભાગોમાં સામાન્ય ઠંડી રહી શકે છે. પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાંથી રાહત મળશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન વધવાની સંભાવના છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યુનત્તમ તાપમાન વધવાની શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં ન્યુનત્તમ તાપમાન 18 ડિગ્રી સે. અને મહત્તમ તાપમાન ક્યારેક 34 કે તેથી વધુ જવાની સંભાવનાઓ છે એટલે દિવસમાં પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ આવી પડે તેમ છે.