અંબાજી:અંબાજીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને જિલ્લા પોલીસવડા વચ્ચે બોલાચાલી થયાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં અસરગ્રસ્તો માટે વ્યવસ્થાની વાત કરતા સમયે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ઉશ્કેરાટમાં બોલ્યા કે, જો અસરગ્રસ્તો માટે વ્યવસ્થા નહીં થાય તો કોઈપણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા નહીં દઈએ. ત્યારે એસ.પી નારાજ થયા હતા. તેમને કહ્યું કે, આ પ્રકારની ધમકી નહીં ચાલે અમે પણ કાર્યવાહી કરીશું. આમ ધારાસભ્ય અને જિલ્લા પોલીસવડા વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.
અંબાજીમાં ડિમોલિશન બાદ નેતાઓ મુલાકાતે પહોંચ્યા હતા
અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવા માટે 89 જેટલા મકાનો સહિતના બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આજે કોંગ્રેસ ડેલિગેશન આ અસરગ્રસ્તોની મુલાકાત માટે પહોંચ્યું હતું અને અસરગ્રસ્તો સાથે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ લાલજીભાઈ દેસાઈ સહિતના નેતાઓએ વાતચીત કરી હતી.
વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગ
જિલ્લા પોલીસવડા પણ અહીંયા પહોંચ્યા હતા. તેમણે તમામ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અને પીએમ આવાસ યોજના હેઠળ મકાન આપવાની બાંહેધરી આપી હતી. તે સમય દરમિયાન ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને બોલ્યા કે, જો વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો કોઈપણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. ત્યારે જિલ્લા પોલીસવડા નારાજ થયા હતા. તેમને કહ્યું કે, આ પ્રકારની ધમકી નહીં ચાલે. હું અહીં આપના માટે આવ્યો છું, આપના સારા માટે બધા પ્રયત્નો કરૂ છું, મને આ ભાષા યોગ્ય નથી.