ગાંધીનગર :રવિવારના રોજ ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારમાં જળબંબાકાર સર્જાયો હતો. જેના કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું અને આ વિસ્તારના મુસાફરો માટે અસુવિધા ઊભી થઈ હતી. ઘણા વાહનો વરસાદના પાણીમાં અડધા ડૂબી ગયા હતા. અવિરત ધોધમાર વરસાદને કારણે અંબાજી વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગ દ્વારા આગાહી :ભારતીય હવામાન વિભાગે રવિવારે સાંજ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. જે અનુસાર ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના અલગ-અલગ સ્થળોએ મધ્યમ વાવાઝોડું, વીજળીના ચમકારા તથા મહત્તમ સપાટી પરના પવનની ઝડપ 40- 60 kmph સાથે ભારે વરસાદ (15 mm/hr) સંભવ છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ :ગુજરાત રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, બનાસકાંઠા અને ખેડા સહિતના જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ હળવા વાવાઝોડું, 40 કિમી પ્રતિ કલાકથી ઓછી સપાટીના પવનની ઝડપ અને વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ (5 મીમી-15 મીમી/કલાક) પડવાની સંભાવના છે.