અમરેલી: યુવા કવિ ગોપાલ ધકાણના પ્રથમ કાવ્યસંગ્રહ 'અજવાળું દીઠ્યું મધરાતે"નો વિમોચન સમારોહ યોજવવામાં આવ્યો હતો. બે સત્રમાં યોજાયેલા આ સમારોહનું પ્રથમ સત્ર 'વિમોચન ઉત્સવ' મૂર્ધન્ય કવિ ડૉ. વિનોદ જોશીની અધ્યક્ષતામાં અને ભરતભાઈ ચૌહાણ (અવધ ટાઈમ્સ) તથા વિદુષી ડૉ. કાલિન્દી પરીખના અતિથિ વિશેષ પદે યોજાયું હતું. જેમાં નાદબ્રહ્મ ગૃપ દ્વારા સ્વરબદ્ધ કરેલાં કવિના મધુર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ સંગ્રહનો ઉઘાડ કવિ હરેશ વડાવિયાએ પોતાની અભ્યાસપૂર્ણ અને રસપ્રદ શૈલીમાં કર્યો હતો. સંગ્રહનું વિમોચન કવિના માતા મીનાક્ષીબેન ધકાણ તથા ગુરુવર્ય ભનુભાઈ રાખોલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, આ પ્રસંગે કવિએ પોતાની કેફિયતમાં સંગ્રહ તૈયાર કરવામાં કરેલા સંઘર્ષની વાત તથા નવું શીખતા રહેવાની પ્રતિબધ્ધતા રજૂ કરી હતી. અધ્યક્ષીય ઉદ્બોધનમાં મૂર્ધન્ય કવિ ડો. વિનોદ જોશીએ ગીત કવિતાના મર્મની વાત કરી કવિની કાવ્યનિષ્ઠાને બિરદાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સંપૂર્ણ સત્રનું સંચાલન યુવાકવિ ડૉ. ધ્રુવ મહેતાએ કર્યું હતું.
કવિ સંશોધક ડો. કેતન કાનપરિયાના સુંદર સંચાલનમાં બીજું સત્ર 'ગીતોત્સવ' યોજાયું. જેમાં કવિઓ ડૉ.વિનોદ જોશી, સ્નેહી પરમાર, પારુલ ખખ્ખર, મુકેશ દવે, વિમલ અગ્રાવત, ડૉ. વિરલ શુક્લ અને ભરત વાઘેલા પોતાના ગીતપઠનથી સૌને રસતરબોળ કર્યા.