અમદાવાદ:વરસાદનો સાદ પડેને ત્યાં જ ગુજરાતીઓના મનમાં વિવિધ વાનગીઓના સ્વાદ ચઢે તે નક્કી એટલે નક્કી જેવું જ મનાય છે. વરસાદી માહોલમાં ગરમા ગરમ દાળવડા, ભજીયા, ગાંઠિયા વગેરે જેવી વાનગીઓ વેચતા વેપારીઓના ત્યાં તો લાઈન લાગવાની શરૂ જ થઈ જાય છે. અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ પેઢીથી ધંધાનો જમાવડો કરીને કામ કરતા આનંદ દાળવડા અંગે તો તમે જાણતા જ હશો, જોકે આ ધંધામાં તેમણે કેવી રીતે જમાવડો કર્યો અને તેમની સફળતાની કહાની સામાન્ય વ્યક્તિને પણ કાંઈક નવું શીખવી જતી કહાની છે. સફળતાની કહાની કરતા એમ પણ કહી શકો કે જજુમવાની કહાની કહી શકો.
મિલ મજૂરથી ધંધાદારી બનવાની સફરઃ આનંદ દાળવડાની ત્રીજી પેઢીના સુરેશભાઈ જણાવે છે કે, તેમના દાદા ભીખાભાઈ 1968-69 માં રાજસ્થાનથી અમદાવાદ રોજગારી અર્થે આવેલા શરૂઆતના 1-2 વર્ષ અમદાવાદમાં મિલ મજૂર તરીકે કામ કર્યું. આપ કદાચ જાણતા હશો કે, અમદાવાદમાં જે તે સમયે મિલમાં કામ કરવું તે પણ એક માન અને મોભો આપતું કામ હતું. જ્યાં કામદારો પણ કમાતા હતા અને એક સમયે અમદાવાદને 'કાપડનું માન્ચેસ્ટર' કહેવાતું હતું. જોકે આવી નોકરીમાં પણ તેમને કોઈ રસ નહોતો, તે કામથી તેમને સંતુષ્ટિ ન હતી. તેથી તેમણે પોતાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું અને દાળવડાની એક નાની લારી શરૂ કરી હતી.
બોલિવૂડસાથે કનેક્શન: સુરેશભાઇના દાદા ભીખાભાઈ ફિલ્મોના ખૂબ શોખીન હતા અને તેમાં પણ રાજેશ ખન્નાના મોટા ચાહક હતા. દાળવડાની લારીની શરૂઆત કરી તે જ વર્ષે 1971 માં રાજેશ ખન્નાની ફિલ્મ આનંદ આવી હતી અને કાકાની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ ખૂબ ચાલી હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્નાનું નામ પણ 'આનંદ' હતું. બસ પોતે જેના બિગ ફેન હતા તેમની આ ફિલ્મ પર તેમને પણ એટલો જ પ્રેમ હતો અને તેનાથી પ્રેરિત થઈને ભીખાભાઈ પણ રાજેશ ખન્ના જેવા જ વાળ રાખતા, કપડા પહેરતા અને દાળવડાની લારીનું નામ પણ 'આનંદના દાળવડા' રાખ્યું હતું અને આજ દિવસ સુધી તેમની ત્રીજી પેઢી છે જે તે જ નામ સાથે તે જ સ્થળે દાળવડા વેચે છે.
રોજના 2 રૂપિયાથી 27 હજાર સુધીનો ધંધો:ઇ. સ.1971 માં જ્યારે તેમને દાળવડાનો ધંધો શરૂ કર્યો ત્યારે માંડ માંડ દિવસના 2 કિલો દાળવડા વહેંચાતા હતા અને ક્યારેક 2 રૂપિયા તો ક્યારેક 4 નો ધંધો થતો હતો. પરિવાર અને અન્ય બીજી જવાબદારીઓ સાથે સતત જીવનના ઉતાર ચઢાવ વચ્ચે તેમણે આ ધંધા પર હાથ અજમાવાનું ચાલુ રાખ્યું હતું. એક સફળ બિઝ્નેસમેનની જેમ તેઓ પણ સતત પોતાના ધંધામાં જોતરાયેલા રહ્યા અને ધંધામાં તેમણે ગ્રાહક એટલે ભગવાન એમ માની સતત પોતાના ગ્રાહકોને સંતુષ્ટી મળે તે માટે કામ ચાલુ રાખ્યું હતું. આજે 53 વર્ષ થયા છે અને આ જ ધંધામાં તેમની ત્રીજી પેઢી છે, ત્યારે રોજના 30થી 40 કિલો દાળવડા વેચાઈ જાય છે એટલે રોજના 11 હજારથી 15 હજારનો ધંધો થાય છે અને વરસાદ હોય ત્યારે ધંધો ડબલ એટલે કે 60 થી 70 કિલો દાળવડા વહેંચાય છે એટલે 26 થી 27 હજારનો ધંધો થાય છે. આજે તેમની દુકાન થકી 5 લોકોના પરિવારનું ગુજરાન ચાલે છે.