ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મૃત્યુ ખેડાઃ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે.જેમાં ટ્રેલરની પાછળ કાર ઘુસી જતાં 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ કરૂણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
10ના ઘટના સ્થળે મોતઃ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર આગળ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ભયંકર ટક્કરને કારણે કારમાં સવાર 10 લોકોને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. એક્સપ્રેસ હાઈવે પર કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. જે દરમ્યાન પુરપાટ ઝડપે ટ્રેલરની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
યુદ્ધના ધોરણે કામગીરીઃ અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઈવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માત થતા રહે છે. પૂરપાટ ઝડપના ખપ્પરમાં અનેકવાર નિર્દોષ જિંદગી હોમાઈ જાય છે. આજે આ ગોઝારા હાઈવે પર બનેલા ગમખ્વાર અકસ્માતમાં 10 મુસાફરોએ પોતાનો જીવ ઘટનાસ્થળે જ ગુમાવ્યો છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ભારે જહેમત બાદ કારમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ અને 108ની કામગીરીઃ આ ગમખ્વાર અક્સ્માતના સમાચાર મળતાં જ 108ની 2 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. 108ને સત્વરે કામગીરી શરુ કરી હતી. આ સાથે જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ટીમે પણ અકસ્માત બાદની રાહત અને બચાવ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ વિભાગ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
શક્તિસિંહ ગોહિલે સાંત્વના પાઠવી શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયાઃ
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મૃત્યુના અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. ખાનગી વાહનમાં કેપેસિટી ન હોવા છતાં દસ દસ વ્યક્તિઓ ભરેલા હતા અને આવી જ જોખમી મુસાફરીઓ ગુજરાતમાં ભ્રષ્ટાચારના પ્રોત્સાહન સાથે ચાલી રહી છે. ખાનગી ગાડીઓમાં કેપેસિટીથી વધારે લોકોને ભરીને મુસાફરીઓ થાય છે અને સરકાર આંખ આડા કાન કરતી હોવાના કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે. કાયદાથી વિરુદ્ધ આવી મુસાફરીઓમાં ભોગ બનનારને વીમો પણ મળતો નથી, જેથી મૃતકના પરિવાર પણ મુશ્કેલીમાં મુકાય છે. ગંભીર અકસ્માતમાં જેઓએ જીવ ગુમાવ્યો છે તેવા વ્યક્તિઓના પરિવારને સાંત્વના પાઠવું છું તેમજ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. સરકાર જરૂરિયાતમંદ પરિવારોને પૂરતી સહાય કરે અને નિયમોથી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ચાલતા આવા વાહનો કે જે હપ્તા ચૂકવીને ચલાવે છે તેના તરફ સરકારની જે મીઠી નજર રહે છે તે બંધ કરવામાં આવે તેવી પણ માંગણી કરું છું...શક્તિસિંહ ગોહિલ(પ્રદેશ પ્રમુખ, ગુજરાત કૉંગ્રેસ)
- Rajkot Accident News: સતનામનગર સોસાયટીમાં હેવી ટ્રક ઘુસી ગઈ અને પાંચ વીજપોલ ધરાશાયી કર્યા
- હાઇ સ્પીડ બસ ટ્રેલર સાથે અથડાઈ, 7ના ભોગ