અમદાવાદ:શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ જણાતા, જેમની પાસે પોતાની ભારતીય ઓળખના પુરાવા ન હોય તેવા 200 થી 250 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાંથી ક્રાઈમ બ્રાન્ચે 48 બાંગ્લાદેશી ગેરકાયદેસર રહેતા નાગરિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે. તેમાં 32 પુરુષો, 8 મહિલાઓ અને 6 માઇનોર છે ત્યારે 200 જેટલા લોકોની પૂછપરછ હજુ ચાલુ છે.
કેવી રીતે પોલીસને થઈ જાણ?
આ સમગ્ર ઘટના વિશે વાત કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે, “પોલીસને માહિતી મળી હતી કે કેટલાક બાંગલાદેશી લોકો ગેરકાયદે અમદાવાદમાં રહે છે. જેના આધારે 3થી 4 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરતાં 200 જેટલા લોકો આવી રીતે અમદાવાદમાં ગેરકાયદે રહેતા હોવાની માહિતી મળી છે. હાલ આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, બાદમાં તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.”
પોલીસે શરૂ કરી તપાસ
હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ લોકો પાસે નકલી દસ્તાવેજો કેવી રીતે આવ્યા ? કોના દ્વારા બનાવવામાં આવ્યા ? કેટલા સમયથી તે શહેરમાં વસવાટ કરે છે ? બાંગ્લાદેશી અહીં કેવી રીતે આવ્યા ? તેમની સાથે હજુ કેટલા લોકો જોડાયેલા છે? વગેરે બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.