અમદાવાદ :ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિવિધ ગરબાનું આયોજન થાય છે. ત્યારે અમદાવાદ શહેરની નગરદેવી માં ભદ્રકાળીના મંદિરે તેમના પ્રાંગણમાં વર્ષોથી પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. નગરજનો માં ભદ્રકાળીના આશીર્વાદ માટે ઉમટી પડે છે અને તેમના પ્રાંગણમાં માથે ગરબા લઈને ભક્તિમય વાતાવરણમાં ગરબા ગાતા જોવા મળે છે.
ભદ્રકાળી માતના ગરબા :છેલ્લા 14 વર્ષથી માતા ભદ્રકાળી મંદિરે નવરાત્રી દરમિયાન માથે ગરબો અને ગરબામાં પ્રગટતો દીવડો લઈને ગરબે ઘૂમતા શ્રદ્ધાળુ વાત કરે છે કે, માથે ગરબો લઈએ એટલે આખું વર્ષ રિચાર્જ થઈ જાય છે. બીજી કોઈ જગ્યાએ ગરબા કરતા માં ભદ્રકાળીના પ્રાંગણમાં થતા ગરબાને અનેરૂ મહત્વ રહેલું છે. ભદ્રના કિલ્લાથી લઈને સામે ત્રણ દરવાજા સુધી માં ભદ્રકાળીના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાઈન નવરાત્રીના સમય દરમિયાન જોવા મળે છે.
ચાચર ચોકમાં ભક્તોનો જમાવડો :"ભાઈ ભાઈ" ફેમ સિંગર અરવિંદ વેગડાએ ETV Bharat સાથે વાત કરવા જણાવ્યું કે, વર્ષોથી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળીના મંદિર અને ભદ્રના કિલ્લા પાસે આ પ્રકારના પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં આ નગરજનો તેમની નગરદેવી માં ભદ્રકાળીના આશીર્વાદ માટે અહીં આવ્યા છે અને તેમના પ્રાંગણમાં ગરબે ઘૂમી રહ્યા છે.