અમદાવાદ: ગત 24 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ માધવ પબ્લિક સ્કૂલની એક હચમચાવે એવી ઘટના સામે આવી હતી. જેમાં એ સ્કૂલના એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. આ અંગેની સીસીટીવી ફૂટેજ બહાર આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. સીસીટીવી ફૂટેજ પ્રમાણે શિક્ષક સંપૂર્ણ ક્લાસની વચ્ચે વિદ્યાર્થીને તેની જગ્યા પર જઇને મારતો મારતો દેખાય છે. ત્યારબાદ તે બાળકને વાળથી પકડીને તેણે બોર્ડ સુધી લઈ જાય છે અને બાળકનું માથું દીવાલે પછાડી ધડાધડ 10 લાફા મારે છે.
સીસીટીવી ફૂટેજ થયું વાઇરલ:આ સમગ્ર ઘટના સ્કૂલના CCTV કેમેરામાં કેદ થઈ ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે બનાવની જાણ થતાં જ DEOએ સ્કૂલને નોટિસ આપીને વાઇરલ થયેલા સીસીટીવી વીડિયો અંગે ખુલાસો માગ્યો છે. સ્કૂલે પણ બનાવ બાદ આરોપી શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે.
શિક્ષણ મંત્રી સુધી નોંધ લેવાઈ:આ ઘટનાને લઈ રાજ્ય શિક્ષણ મંત્રીએ સમગ્ર ઘટના ક્રમનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. તથા આ પ્રકારની ઘટના ફરીથી ન બને તે માટે પણ ચોક્કસ પગલાં લેવા માટે પણ સૂચનો રજૂ કર્યા છે.
આરોપી શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ: તમને જણાવી દઈએ કે, આરોપી શિક્ષક સામે વિદ્યાર્થીના વાલી તથા શાળા દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. વિદ્યાર્થીને માર મારવાના સીસીટીવી મીડિયામાં પ્રકાશિત થતા DEO દ્વારા સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી. આ અંગે તારીખ 30 સપ્ટેમ્બરના રોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે શિક્ષકના મારનો ભોગ બનનાર બાળકના પિતા પરસોત્તમભાઈ ચુનારા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે.
કોઈ કારણ વગર માર મારવામાં આવ્યો - બાળકના પિતા
બાળકના પિતા પરસોત્તમભાઈ ચુનારા ETV BHARAT સાથે વાત કરતા જણાવે છે કે " મારા બાળકને કારણ વગર જ મારવામાં આવ્યો છે મારા બાળકનો કોઈ વાંક ન્હોતો શિક્ષક બોર્ડ પર લખવા જતો હતો અને ત્યારે મારા બાળકે પેન - ચોપડી કાઢી બસ આજ કારણ. આને કારણ કહેવાય ? "
આ પણ વાંચો:
- હરણી તળાવ બોટ દુર્ઘટના: ગુજરાત હાઇકોર્ટે પાંચ આરોપીઓના જામીન મંજૂર કર્યા - Harni Lake boat accident case
- સુરતના કિશનભાઈને પાકિસ્તાનના વ્યક્તિમાં થયા ઈમાનદારીના દર્શન, જાણો સમગ્ર મામલો - One Crore Ninety lakh Bracelet