સુરત : ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક ડમ્પરની અડફેટે આવેલ બાઈક પર સવાર પતિ-પત્ની અને પુત્રી રોડ પર પટકાયા હતા. જેમાં માતા-પુત્રીનું મોત નીપજ્યુ હતું. જ્યારે બાઈકચાલક પતિ ઈજાગ્રસ્ત થયા હતા.
સાયણ નજીક ગમખ્વાર અકસ્માત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. સાયણ ગામના ઓવર બ્રિજ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે (GJ 05 CY 0127) એક બાઈક સવાર પરિવારને અડફેટે લીધો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.
માતા-પુત્રીનું મોત, પતિ ઈજાગ્રસ્ત : આ અકસ્માતમાં સતીશભાઈ નાકરાણીના પત્ની ઝલકબેન પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તેમની 11 માસની નાની દીકરી કેશ્વીને બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેણીએ પણ દમ તોડી દીધો હતો. બાઈક ચલાવી રહેલા સતીશભાઈને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ છે.
અકસ્માત સર્જ્યા બાદ ચાલક ફરાર : ગણતરીના કલાકોમાં જ પત્ની અને પુત્રીના મોતના સમાચારથી સતીશભાઈ આઘાતમાં સરી પડ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઓલપાડ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કેસની તપાસ પ્રો. ASI અજયભાઈ મનુભાઈ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત જિલ્લામાં બેફામ દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.