ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના આ વિસ્તારમાં 1 વર્ષથી લોકોને પીવાના પાણી માટે વલખાં, AMC કચેરીમાં લાગ્યા 'હાય... હાય...'ના નારા - AMC OFFICE PROTEST

શહેરના નહેરુનગરમાં આવેલા નાડીયા વાસ વિસ્તારમાં સ્થાનિકોની સમસ્યા છે કે છેલ્લા સાતેક મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી આવી રહ્યું છે.

પીવાના પાણી માટે સ્થાનિકોનો વિરોધ
પીવાના પાણી માટે સ્થાનિકોનો વિરોધ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 9:00 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરના નહેરુનગરમાં આવેલા નાડીયા વાસ વિસ્તારમાં સ્થાનિકોની સમસ્યા છે કે છેલ્લા સાતેક મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી આવી રહ્યું છે. અનેકવાર આની તંત્રને રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ પીવાનું શુદ્ધ પાણી હજુ સુધી આવતું નથી. આ મામલે આજે અમદાવાદ મહાનગરપાલિકાના મેયરને આવેદનપત્ર આપવા માટે આ સ્થાનિકો પહોંચ્યા હતા.

AMC કચેરી બહાર લોકોનો વિરોધ (ETV Bharat Gujarat)

ચોખ્ખા પાણી માટે હેરાનગતિ
લાલબંગલા નહેરુનગરના છાપરામાં રહેતા અને છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા સરસ્વતીબેન જણાવે છે કે, છેલ્લા એક વર્ષથી અમારે પીવાના પાણીની સમસ્યા છે. તેમાં પણ જુલાઈ મહિનાથી તો એવું ગંદુ પાણી આવે છે કે આપણે બ્રશ કરીએ તો મોઢું ધોવા લાયક પણ પાણી નથી હોતું. અનાવર નવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ અધિકારી અમારા સામું નથી જોતા અને સમસ્યાનું નિરાકરણ નથી આવતું.

છેલ્લા એક વર્ષથી પીવાની જગ્યાએ ગટરનું પાણી આવે છે
આ ગંદા પાણીની સમસ્યાથી પીડાતા અન્ય એક મહિલા ઉષાબેન જણાવે છે કે, છેલ્લા એક વર્ષથી અમે ખૂબ જ હેરાન થઇ રહ્યા છીએ. પીવાનું પાણી અમારે પૈસા આપીને બહારથી લાવવું પડે છે અને નાહવા માટે પણ બહારથી પાણી લાવવું પડે છે. અમે રજૂઆતો કરી પણ કોઈ કંઈ કરતા નથી. માત્ર આવે છે અને ગટરો જોઈને જતા રહે છે. આવા પાણી પીવાથી અમારા બાળકો પણ બીમાર થાય છે, તો પણ આ સમસ્યા દૂર નથી થતી.

'બહારથી પાણી ખરીદવાના પૈસા ક્યાંથી લાવવા?'
ત્યારે અન્ય એક સ્થાનિક ગીતાબેન જણાવે છે કે, છેલ્લા એક વર્ષથી આ ગંદા પાણીની સમસ્યા ચાલી આવે છે. થોડા મહિના તો અમે સહન કરી લીધું, પરંતુ હવે સહન થતું નથી. અમારા બાળકો બીમાર પડે છે. અમારે અમારું કામકાજ છોડીને બહાર પાણી ભરવા જવું પડે છે અથવા પૈસા આપીને લાવવું પડે છે. વધુમાં ગીતાબેન જણાવે છે કે, 30 રૂપિયાની એક બોટલ પાણી આવે છે, દિવસના 3-4 બોટલ પાણી અમારે જોઈએ. તો રોજ 90 રૂપિયા પાણી માટે લાવવા ક્યાંથી? આ સમસ્યાનો હલ અમારે કાઢવો ક્યાંથી? અધિકારીઓ પણ એમને જવાબ આપતા નથી.

મેયરને આવેદન આપી રહેલા સ્થાનિક મહિલા (ETV Bharat Gujarat)

'આ પાણી સરકાર પીવે તો અમે પિયે'
વધુ દબાણ કરીએ તો કહે કે, અમારા માણસો આવશે અને જોઈ લેશે. આવે એમના માણસો અને જોઈને જતા રહે છે પણ કઈ કરે નહીં. આ પાણી નહાવા લાયક પણ નથી આવતું, તો પીવું કેમ ? વધુમાં તેમણે કહ્યું હતું કે, જો આ પાણી સરકાર પીવે કે ત્યાં બેઠા અધિકારીઓ પીવે તો અમે પિએ. અમારી આ સમસ્યાનો હલ દિવાળી પહેલા કાઢવો પડશે. અંદાજે 450 થી 500 લોકોને અત્યારે આ સમસ્યા છે.

મેયર કહ્યું- હું સમગ્ર ઘટનાથી અજાણ
અત્યારે આ મામલે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિભાબેન જૈનને ETV BHARAT ના સંવાદદાતા સમક્ષ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી. જોકે એમ જ વાત કરતા કહ્યું કે, આ સમગ્ર ઘટનાથી તેઓ અજાણ છે. આજે આ ઘટના તેમના ધ્યાને આવી છે, જે પણ જવાબદાર અધિકારી હશે તેમને આજે જ અહીં બોલાવીને આ લોકોની સમસ્યા અને નિરાકરણ આવે તે પ્રકારની અમે કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો:

  1. રાજકોટ: આયુષ્માન કૌભાંડ મામલે ડો. હિરેન મશરૂ સામે મેડિકલ કાઉન્સિની મોટી કાર્યવાહી, 1 વર્ષ માટે લાઈસન્સ સસ્પેન્ડ
  2. Bank Jobs: સરકારી બેંકમાં નીકળી ભરતી, ગુજરાતમાં કેટલી જગ્યા, ક્યાંથી અરજી કરવી? જાણો બધું જ

ABOUT THE AUTHOR

...view details