અમદાવાદ: ખ્યાતિકાંડ મામલે બુધવારે અમદાવાદમાંથી ઝડપાયેલા આરોપી ડૉ. સંજય પટોળિયાને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ગોતાથી ધરપકડ કરવામાં આવી હતી. આજે ડૉ.પટોળિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. આગામી તારીખ 12 ડિસેમ્બર સાંજના 4 વાગ્યા સુધીના તેઓ પોલીસ રિમાન્ડ પર રહેશે.
આ દરમિયાન પોલીસ સમગ્ર કાંડમાં તેમની શું ભૂમિકા છે. અન્ય ફરાર બે આરોપીઓ કયા છે ? અત્યાર સુધીમાં ડિરેક્ટરોની 7 મીટીંગ થયેલી છે તેની મિનિટ બુકની તપાસ, PMJAY હેઠળ થયેલા નાણાકીય વહીવટની તપાસ વગેરે મુદ્દાઓ પર રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરાશે. મહત્વપૂર્ણ છે કે, આ મામલે હજી ફરાર બે આરોપી ડો.કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારીએ કોર્ટમાં જામીન અરજી કરી છે. ત્યારે આજે રાજેશ્રી કોઠારીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે.
સરકારી વકીલ અને ડૉ.પટોળિયાના વકીલ વચ્ચે કોર્ટમાં થઈ ધારદાર દલીલો
રિમાન્ડ માટે સરકારી વકીલની દલીલો
સરકારી વકીલ વિજય બારોટ દ્વારા રિમાન્ડ અરજી કોર્ટ સામે મૂકવામાં આવી હતી કે, ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર તરીકે ડૉ. સંજય પટોળિયા પણ આરોપી છે. વર્ષ 2021થી હોસ્પિટલ સાથે જોડાણ સાથે ખ્યાતિકાંડ વિશે વાત કરતા આર્થિક ગેરલાભ મેળવવા 2 દર્દીના મોત થયા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.
70 ટકા બ્લોકેજ હોય તો જ PMJAY માં લાભ મળે છે
વધુમાં એડવોકેટ વિજય બારોટ દ્વારા દલીલ કરતા કહેવામાં આવ્યું હતું કે, PMJAY યોજના હેઠળ 70 ટકાથી વધુ બ્લોકેજ હોય તો જ યોજનાનો લાભ મળી શકે, આથી સામાન્ય બ્લોકેજ વાળા દર્દીઓને પણ 70 - 80 ટકા બ્લોકેજ બતાવીને સ્ટેન્ડ બેસાડી દેવામાં આવતા હતા.
સમગ્ર કાંડમાં આરોપીની ભૂમિકાની તપાસ જરૂરી છે
આ સમગ્ર કાંડમાં તેનો શું રોલ છે તે બાબતે માહિતી મેળવવા માટે રિમાન્ડ જરૂરી છે, સાથે ખ્યાતિ હોસ્પિટલમાં આરોપીનો 39 ટકા ભાગ છે અને રેલવેના કર્મચારીઓના પણ આ હોસ્પિટલમાં ઑપરેશન કરવામાં આવ્યા છે. તે અંગે પણ કોઈ ગેરલાભ મેળવાયો છે કે કેમ ? તે અંગે તપાસ માટે રિમાન્ડ જરૂરી છે.
ફરાર આરોપીઓ ડૉ. સંજય પટોળિયાની લિંકમાં છે
વધુમાં એડવોકેટ વિજય બારોટ દલીલ મૂકવામાં આવી હતી કે, હોસ્પિટલ દ્વારા એક રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો કે, જેમાં હોસ્પિટલ ખોટમાં જાય છે. તેવું દર્શાવવામાં આવ્યું હતું. તેમાં અન્ય ડિરેક્ટરોની સાથે ડૉ. સંજય પટોળિયાની પણ સહી છે. અન્ય આરોપી ડૉ. કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી ફરાર છે તેઓ ડૉ. સંજય પટોળિયાની લિંકમા હોવાથી પણ પૂછપરછ માટે રિમાન્ડ જરૂરી છે.
બીજી ખ્યાતિ હોસ્પિટલ બનાવવાના ફિરાકમાં હતા પટોડિયા
તમામ દલીલોના અંતે એડવોકેટ વિજય બારોટ દ્વારા વધુ એક ઘટસ્ફોટ દલીલ કરવામાં આવી હતી કે, ડૉ. સંજય પટોળિયા અન્ય ડિરેક્ટરો સાથે મળીને અમદાવાદ સિવાય અન્ય જ્ગ્યાએ પણ ખ્યાતિ હોસ્પિટલ બનાવવા ઈચ્છતા હતા તે અંગે પણ તપાસ થવી જરૂરી છે.
બચાવ પક્ષના વકીલ દલીલ
ડૉ. સંજય પટોળિયાના વકીલ દ્વારા દલીલ મૂકવામાં આવી હતી કે ખ્યાતિ હોસ્પીટલમાં થયેલી એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટીના એક પણ નિર્ણય એ ડૉ. સંજય પટોળિયાનો નિર્ણય નથી અને કોઈ પણ ઑપરેશન માટે ડૉ. સંજય પટોળિયાની સહી નથી.
માત્ર 39 ટકા શેર હોવાથી ડૉ. સંજય પટોળિયા આરોપી નથી બનતા
વધુમાં બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલ કરતા કહ્યું હતું કે ડૉ. સંજય પટોળિયાના ખ્યાતિ હોસ્પિટલ 39 ટકા શેર છે, તે ડોક્યુમેન્ટ એવિડન્સ છે તેના આધારે ડૉ. સંજય પટોળિયા ગુનેગાર નથી બનતા અને તેના માટે તેમને રિમાન્ડ ના હકદાર નથી સાથે એ પણ વાત કરી હતી કે અન્ય ડિરેક્ટરના પણ 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા મંજૂર થયા હતા ડૉ. સંજય પટોળિયાના 10 દિવસના રિમાન્ડ અયોગ્ય છે.
ડૉ. સંજય પટોળિયા બેરિયાટ્રિક સર્જન છે તેમને હાર્ટ સાથે લેવા દેવા નથી