અમદાવાદ: શહેર એટલે વર્લ્ડ હેરિટેજ સીટી, આ દરજ્જો અમદાવાદનું એમ જ મળ્યો નથી. આ શહેર પોતાના હૈયામાં એટલું બધું વૈવિધ્ય લઈને બેઠું છે. જેમાંની ઘણી ખરી વાતો ત્યાં રહેતો અમદાવાદી પણ નહીં જાણતો હોય, આવો આજ એક એવી જગ્યાની વાત કરવી છે કે, જ્યાં રડતા બાળકને લઈ આવવાથી બાળક શાંત થઈ જાય છે. જે જગ્યા છે, 'હસ્તી બીબીનો ગોખલો.'
બાળક રડે તો તેને અહીં લાવવામાં આવે છે: અવાર નવાર ઘરમાં બાળક રડતું હોય ત્યારે તેને શાંત કરવા માટે માતા-પિતા અને ઘરના લોકો અપનાવતા હોય છે. ક્યારેક બાળકને ચોકલેટ આપવામાં આવે છે. તો ક્યારેક કોઈ રમકડું આપીને તેને શાંત કરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પરંતુ અમદાવાદમાં જ્યારે કોઈ બાળક રડે છે. તો તેને હસ્તી બીબીના ગોખલા પાસે લઈ જવામાં આવે છે, ગોખલાની અંદર જેમ બાળક જુએ છે. તો તરત જ બાળક રડવાનું મૂકીને શાંત થઈ જાય છે, આવો જાણીએ શું છે. આ 'હસ્તી બીબીનો ગોખલો'?
500 વર્ષ જૂની હસ્તી બીબીની કહાની: અમદાવાદ શહેરના ઝવેરીવાળ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર રોડ પર હસતી બીબીનો ગોખલો આવેલો છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ જગ્યા 500 વર્ષ કરતા પણ વધારે જૂની છે. અહીં રાત દિવસ સતત અહીં એક અખંડ જ્યોત ચાલુ રહે છે. હિન્દુ અને મુસ્લિમ બધા સાથે મળીને હસ્તી બીબીનો આદર સત્કાર કરે છે. ત્યારે વિશેષ કરીને હસ્તી બીબીના ગોખલા પાસે ગુરુવારના દિવસે જલેબી ચડાવવાનો, ડમરો અને ગુલાબના ફૂલ અગરબત્તી ચડાવવાનો મહિમા રહેલો છે.
કોણ હતા આ હસ્તી બીબી?: સામાન્ય રીતે એક પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે કે, આ હસ્તી બીબી કોણ હશે ? ત્યારે અહીં દેખરેખ રાખતા કાસમભાઈ જણાવે છે કે, આ જગ્યા અંદાજિત 400 વર્ષ જૂની છે. હસ્તી બીબીનું મૂળ નામ હુમાયુ બીબી કે હુમાયુ બેગમ હતું. તેઓ "હજરત શેખ બિન અબુદુલ્લાહ" કે જે એક સૂફી સંતના પરિવારના સભ્ય હતા. તેમને અલ્લાહ તરફથી એક અનોખુ વરદાન મળ્યું હતું કે, જે પણ કોઈ પોતાની ચિંતા લઈને તેમની પાસે આવશે. તેની બધી જ ચિંતા દૂર થઈ જશે. વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અહીં ગુરૂવારનો અનેરો મહત્વ રહેલો છે. જે પણ લોકો સતત 5 ગુરુવાર અહીં આવે છે. તેમની બધી ચિંતાઓ અને દુઃખ દૂર થાય છે."
હસ્તી બીબીના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું: હસ્તી બીબીના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું, તેમનો પવિત્ર સ્વભાવ અને તેમને મળેલા વરદાનના કારણે તેઓ જે પણ બિમાર બાળક તેમની પાસે આવે તેના માથે હાથ મુકતા અને થોડાક જ દિવસોમાં તે બાળક હસતું રમતું થઈ જતું હતું, તેમણે ક્યારેય પણ ધર્મમાં ભેદભાવ નહોતો રાખ્યો, હિન્દુ હોય કે મુસ્લિમ બધા જ તેમની પાસે જતા હતા.
ચાલુ વાહને લોકો હસ્તી બીબીને માથું નમાવે: જ્યારે ETV BHARATની ટીમ હસ્તી બીબીના ગોખલાના સ્થાને પહોંચે છે, તો થોડીક ક્ષણોમાં ત્યાં બેસતા જોવા મળે છે કે, ત્યાંથી પસાર થતા લોકો પોતાનું વાહન રોકીને હસ્તી બીબીના ગોખલે માથું નમાવે છે. તો કેટલાક ઉતાવળે જતા લોકો ચાલુ વાહને પણ માથું નમાવીને પસાર થાય છે.
હસ્તી બીબીના ગોખલાની શું છે માન્યતા: જ્યારે હસ્તી બીબીના ગોખલે આવેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો બધા લોકોનું એક જ કહેવું હતું કે 'લાંબા સમયથી માન્યતા છે કે, હસ્તી બીબીના ગોખલે બાળકને લઈ આવવાથી રડતું બાળક શાંત થઈ જાય છે અને બીમાર બાળક સાજુ થઈ જાય છે. કેટલાક લોકોને તે પણ ખ્યાલ નહોતો કે હસ્તીબીબી કોણ હતા? કે પછી આ ગોખલો અહીં કોણે બનાવ્યો? પરંતુ તેમની આસ્થા અને વિશ્વાસ એટલો મક્કમ જ હતો કે, તેઓ અચૂક પણે દર ગુરુવારે અહીં પોતાના બાળકને લઈને આવે છે.
આ પણ વાંચો: