ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: ગાંધી આશ્રમ રોડ આજ રાતથી કરાશે બંધ, હવે RTO કે વાડજ જવા કયો રૂટ લેવો પડશે? - AHMEDABAD ASHRAM ROAD

ગાંધી આશ્રમના નવીનીકરણ મામલે ટ્રાફિક પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે પ્રમાણે 9 નવેમ્બર 2024ના રાતના 12 કલાકથી રૂટ બંધ કરવામાં આવશે.

ગાંધી આશ્રમનું રિડેવલપમેન્ટ શરૂ
ગાંધી આશ્રમનું રિડેવલપમેન્ટ શરૂ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 6:26 PM IST

અમદાવાદ: મહાત્મા ગાંધીની કર્મભૂમિ એટલે અમદાવાદ. અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે મહાત્મા ગાંધી દ્વારા વસાવવામાં આવેલો આશ્રમ કે જે સાબરમતી આશ્રમ અને ગાંધી આશ્રમ તરીકે ખ્યાતિ પામ્યો તેનું અત્યારે રિડેવલપમેન્ટનું કામ શરૂ છે. માહિતી મુજબ એક સમયે આશ્રમ 120 એકરમાં પથરાયેલો હતો તે સંકુચિત થઈને હાલમાં માત્ર પાંચ એકરમાં છે. ત્યારે આ માસ્ટર પ્લાન દ્વારા ગાંધી આશ્રમને 55 એકરમાં પુનઃ સ્થાપિત કરવા આવશે. હવે આ પ્રોજેક્ટને લઈને અમદાવાદમાં સતત અવરજવરથી બીઝી રહેતા અને આશ્રમ રોડથી જોડાતા ગાંધી આશ્રમ રોડને બંધ કરવામાં આવશે. આજે મધરાત્રીથી જ આ રોડ સામાન્ય લોકોની અવરજવર માટે બંધ રહેશે. હવે આ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કેવી છે તે સહિતના પાસા પર આવો નજર કરીએ...

1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનું રિડેવલપમેન્ટ (ETV Bharat Gujarat)

પીએમ મોદીએ કર્યું હતું માસ્ટર પ્લાનું લોકાર્પણ
ગત 12 માર્ચે દાંડીકૂચની 94 મી વર્ષગાંઠ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્રમભૂમિ વંદના કાર્યક્રમમાં હાજરી આપી સાબરમતી આશ્રમના પુનઃવિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. સાથે ₹1,200 કરોડના ગાંધી આશ્રમ મેમોરિયલના પ્લાનનું અનાવરણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.

ગાંધી આશ્રમ રોડને હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો
ગાંધી આશ્રમના નવીનીકરણ મામલે ટ્રાફિક પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે પ્રમાણે 9 નવેમ્બર 2024ના રાતના 12 કલાકથી રૂટ બંધ કરવામાં આવશે. સુભાષબ્રિજથી મહાત્મા ગાંધી આશ્રમ રોડ બંધ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ રાણીપ તરફ જઈ શકશે, અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ બ્રિજથી ડાબી તરફ પલક ટી સ્ટોલ તરફ જઈ શકશે.

હવે કયા રૂટથી વાડજથી RTO જઈ સકાશે? (ETV Bharat Gujarat)

આશ્રમ નજીક 2 નવા પાર્કિંગ બનાવાયા
આ અંગે સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ સ્પેશિયલ ઓન ડ્યુટી ઓફિસર આઇ.કે પટેલે જણાવ્યું હતું કે, સુભાષ બ્રિજ બાજુથી આવતા આશ્રમના મુલાકાતીઓની સગવડ માટે મગન નિવાસની નજીકમાં નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. વાડજ રિવરફ્રન્ટથી આવતા આશ્રમના મુલાકાતઓની સગવડ માટે ખેત વિકાસ પરિષદની બાજુમાં નવું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જેથી મુલાકાતિઓ સહેલાઈથી તેમનું વાહન પાર્ક કરી આશ્રમની મુલાકાત લઈ શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જાહેર જનતાને અને મુલાકાતીઓને અગવડ ના પડે તે માટે ચીમનભાઈ બ્રિજ - સુભાષ બ્રિજ - રાણીપ ડી માર્ટ - કાર્ગો મોટર સુધીના રસ્તા પર પૂરતા ટ્રાફિક સાઇન લગાવવામાં આવ્યા છે.

સ્થાનિક લોકો માટે હાલ રસ્તો ખુલ્લો રહેશે
સુભાષ બ્રિજથી આશ્રમ બાજુ હોટલ આશ્રય સુધી બંને બાજુના રહેણાંક સોસાયટી માટે હાલનો રસ્તો ખુલ્લો રહેશે. તેથી ત્યાં વસવાટ કરતા નાગરિકોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવો દાવો તંત્ર કરી રહ્યું છે.

નવા ગાંશ્રી આશ્રમનો માસ્ટર પ્લાન (ETV Bharat Gujarat)

આશ્રમના ₹ 1,200 કરોડના માસ્ટર પ્લાનમાં શું શું ખાસિયતો?
તમને જણાવી દઈએ કે જાણીતા આર્કિટેક્ટ બિમલ પટેલની આગેવાની હેઠળની અમદાવાદ સ્થિત HCP ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (HCPDPM) દ્વારા આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલો છે. આ માસ્ટરપ્લાનમાં 120 એકરમાં ફેલાયેલા મૂળ આશ્રમમાં અસ્તિત્વમાં રહેલા 63 માળખામાંથી લગભગ અડધાને પુનઃસ્થાપિત, સંરક્ષણ અને પુનઃનિર્માણ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. સાથે સાબરમતી નદીના કિનારે આવેલી આ જમીનમાં કુલ 36 ઇમારતોને રિ-ડેવલપ કરવામાં આવશે તેવું તંત્રનું આયોજન છે.

હાલનો 5 એકરનો આશ્રમ 55 એકરનો થશે
મહત્વની વાત એ છે કે, અત્યારે જે હાલ સાબરમતી આશ્રમ છે તે માત્ર પાંચ એકરના વિસ્તારમાં ફેલાયેલો છે. ત્યારે રી ડેવલોપમેન્ટ બાદ સાબરમતી આશ્રમ નો વિસ્તાર 55 એકરમાં ફેલાયેલો હશે.

ગાંધી આશ્રમ અગાઉ 120 એકરમાં ફેલાયેલો હતો (ETV Bharat Gujarat)

રિડેવલપમેન્ટ શું શું નવા ફેરફારો થશે?
માસ્ટર પ્લાન મુજબ, પુનઃવિકાસિત સ્મારક અને પરિસરમાં એક ઓરિએન્ટેશન સેન્ટર બનાવવામાં આવશે, એક વિદ્વાનોનું નિવાસસ્થાન, એક પાર્કિંગ વિસ્તાર, એક વોટર હાર્વેસ્ટિંગ પોન્ડ, સ્મારકની દુકાનો, બે પ્રદર્શન વિસ્તારો, એક કાફેટેરિયા, એક વર્કશોપ વિસ્તાર અને એક ભવ્ય પ્રવેશ પ્લાઝા પણ આ નવા ગાંધી આશ્રમમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ વિશ્વ વિભૂતિઓ પણ આશ્રમની મુલાકાતે આવી હતી
લોકોને વિચારતા કરી મૂકે તેવી વાત એ છે કે ગાંધી આશ્રમે 1963 થી મુલાકાતીઓનું પુસ્તક જાળવી રહ્યું છે તે પ્રમાણે, અત્યારસુધી પ્રખ્યાત મુલાકાતીઓમાં 1961માં રાણી એલિઝાબેથ, 1984-85 માં દલાઈ લામા, 1995 માં નેલ્સન મંડેલા, સહિત 2001 માં તે સમયના યુએસ પ્રમુખ બિલ ક્લિન્ટન ઉપરાંત અન્ય ઘણા જાણીતા વ્યક્તિત્વો પણ ગાંધી આશ્રમની મુલાકાતે આવી ચૂક્યા છે.

હાલની ઇમારતો આશ્રમનો ઇતિહાસ કહેશે
હાલમાં આશ્રમની જે ઇમારતો છે તે આશ્રમના પુનઃ વિકાસ બાદ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવશે. આશ્રમનો અને આઝાદીનો ઇતિહાસ કહે છે, ભારત અને વિદેશમાં ગાંધીજીના કાર્યો પર પ્રદર્શનો અને ગેલેરીઓનું આયોજન કરશે, તેમની ચળવળો અને યાત્રાઓનું વર્ણન અને તેમની દિનચર્યા, તેમના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ અને બાળકો સાથેની તેમના જોડાણ વિશે માહિતી પ્રદર્શિત કરશે. 1930 પહેલા જ્યારે ગાંધીજી અને કસ્તુરબા જ્યાં રહેતા હતા ત્યારે, આશ્રમમાં તેમના મુખ્ય સહયોગીઓ અને મહત્વપૂર્ણ મુલાકાતીઓની માહિતી પ્રદર્શિત પણ કરશે.

“ગાંધીજીનો વારસો” આકર્ષણ બનશે
તંત્રના પ્લાનિંગ પ્રમાણે, 1917 થી 1951 સુધીના મુખ્ય આશ્રમવાસીઓ અને નેતાઓની ગેલેરી પર પણ બનાવવામાં આવશે. એક બિલ્ડિંગમાં ચરખા અને ખાદી ઉત્પાદન કેન્દ્રો હશે તો બીજી બાજુ “ગાંધીજીનો વારસો” પરના વિભાગમાં તેમને મળેલા હસ્તપ્રતો અને સન્માનો, ટપાલ વિભાગ સાથેની આપ-લે, સામયિકો અને ગ્રંથો હશે.

આ પણ વાંચો:

  1. વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશમાંથી હરિભક્તો ઉમટ્યા
  2. 'તમારું ખાતું મોટા ફ્રોડમાં વપરાયું છે...' રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મીને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગોએ 56 લાખ પડાવ્યા

ABOUT THE AUTHOR

...view details