અમદાવાદ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પ્રતિબંધિત જાતિ વિષયક શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે હવે તેમની વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. તે બાબતે આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા રત્ના વોરા દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
યોગી આદિત્યનાથનો 19 સેકન્ડનો વિડીયો વાયરલ થયો
રત્ના વોરાએ જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથનો 19 સેકન્ડનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે અનુસુચિત જાતિ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કર્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરી 1938એ બાબા સાહેબ આંબેડકરે આ શબ્દ નહીં સ્વીકારવામાં આવે એવું કહીને વોકઆવુટ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે પણ આ શબ્દના ઉપયોગની સ્પષ્ટ ના પાડી છે
કોંગ્રેસ પ્રવક્તા રત્ના વોરા જણાવે છે કે, 2010માં સમાજ કલ્યાણ અધિકારીઓએ નવી નીતિ જાહેર કરી હતી અને 2017 માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે આ પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવાની ના પાડી છે, આ શબ્દનો ઉપયોગ કરીને યોગી આદિત્યનાથે ગુનો કર્યો છે.