અમદાવાદ: અમદાવાદમાં આમ તો ઘણા બજારો આવેલા છે. પરંતુ અમદાવાદનું હૃદય માણેક ચોકને કહેવાય છે. આ સ્થળેથી દરેક પ્રકારની ચીજ વસ્તુઓ મળે છે. ત્યારે જો કોઈને વાસણ ખરીદવું હોય, તો લોકો માંડવીની પોળ અને કંસારા બજારમાં આવે છે. આ બજારમાં દરેક પ્રકારની એન્ટિક ડેકોરેટિવ આઈટમ્સ અને એન્ટિક મૂર્તિઓ મળે છે. જેને ખરીદવા માટે દેશ અને વિદેશમાંથી NRI પણ આવે છે. તેમજ લોકોને પરવડે તેવા ભાવે પણ મળી રહે છે.
બજારમાં એન્ટિક આઈટમોની ભરમાર: માણેક ચોકના કંસારા બજારમાં વેપારી સુશીલ શાહએ જણાવ્યું કે, અમારી પાસે એન્ટિક સ્ટાઇલની આઈટમ, એન્ટિક સ્વરુપવાળી તમામ પ્રકારની વસ્તુ અને સાથે ભગવાનની મૂર્તિઓ પણ મળી જાય છે. આ મૂર્તિઓમાં ગણપતિદાદા, માતા સરસ્વતી, હનુમાનજી, મા અંબે તેમજ શ્રીયંત્ર જેવી હિન્દુ ધર્મમાં પૂજાતા દેવી દેવતાઓની એન્ટિક મૂર્તિઓ વેચીએ છીએ. આ મૂર્તિઓ ખાસ કરીને પિત્તળ ધાતુઓમાંથી બનાવવામાં આવે છે. આ મેટલ જર્મન સિલ્વરની પણ બને છે. પરંતુ લોકો પિત્તળની મૂર્તિઓ ખરીદવા માટે વધારે આવે છે. પંચધાતુમાંથી પણ એન્ટિક મૂર્તિઓ બને છે. જેમાંથી 1થી લઈને 10 ફૂટ સુધીની મૂર્તિ મળે છે. જે લોકોને જેવા સાઈઝની મૂર્તિ જોઈતી હોય તેવા સાઈઝની પણ બનાવી આપીએ છીએ. આ ઉપરાંત વાસ્તુ શાસ્ત્રની મૂર્તિઓ પણ બનાવવામાં આવે છે.
વિદેશથી લોકો મૂર્તિઓ ખરીદવા આવે છે: વેપારી સુશીલ શાહે વધુમાં જણાવ્યું કે, ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી NRI લોકો એન્ટિક મૂર્તિઓ ખરીદવા માટે અમદાવાદમાં આ બજારમાં આવે છે. જ્યારે બાકી એન્ટિક મૂર્તિઓ જન્માષ્ટમી કે સીઝન પ્રમાણે લોકો ખરીદવા માટે આવે છે. ખાસ કરીને ગણેશ ઉત્સવના પર્વ પર લોકો સૌથી વધારે વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માટે આવે છે. નવરાત્રિમાં માતાજીની મૂર્તિઓ લેવા માટે લોકો ચાલે છે. સીઝનમાં વેચાણ ખૂબ સારુ રહે છે. આગળ વાત કરતા તેઓએ જણાવ્યું કે, હું લગભગ 30 થી 35 વર્ષથી મૂર્તિ બનાવવાનું અને વેચવાનું કામ કરું છું. આ મૂર્તિઓની શરુઆતી કિંમત 100 રુપિયા હોય છે. પરંતુ આગળ 50થી 60 હજાર સુધીની મૂર્તિઓ મળી જાય છે. જેને ખરીદવા માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને દેશભરમાંથી લોકો આવે છે. તેમજ સ્થાનિકો પણ ખરીદે છે.
![બજારમાં 1થી લઈને 10 ફૂટ સુધીની મૂર્તિ મળે છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/gj-ahd-04-anticmortimaneckchowk-specialstory-7205053_07022025190923_0702f_1738935563_716.jpg)
![મૂર્તિઓને ખરીદવા માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ આવે છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/gj-ahd-04-anticmortimaneckchowk-specialstory-7205053_07022025190923_0702f_1738935563_507.jpg)
![લોકોની માંગ પ્રમાણેની સાઈઝમાં મૂર્તિઓ મળે છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/gj-ahd-04-anticmortimaneckchowk-specialstory-7205053_07022025190923_0702f_1738935563_605.jpg)
સારા ભાવમાં મૂર્તિઓ મળી જાય: અમદાવાદના આ બજારમાં ખરીદી કરવા માટે આવેલા એક ગ્રાહક વિનોદ કુમારે જણાવ્યું કે, હું શંકર ભગવાનની મૂર્તિ હરિદ્વાર લઈ જવા માટે વટવાથી આવ્યો છું. અહીંની મૂર્તિઓ ખૂબ જ સારી હોય છે. હું સૌથી પહેલા અહીં જ આવીને મૂર્તિની પસંદગી કરુ છું. મેં ત્રિશુળ અને તાંબાના લોટાની ખરીદી કરી છે. આજે હું ભગવાન શંકરની જટાધારી મૂર્તિ લેવા આ ફેમસ બજારમાં આવ્યો છું. આ બજારમાં દરેક મૂર્તિઓ અને વાસણો ખૂબ જ સારા ભાવમાં અને તમારા ઈચ્છા મુજબ મળી જાય છે.
![આ એન્ટિક મૂર્તિઓની કિંમત 100થી લઈને 50થી 60 હજાર સુધીની હોય છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/gj-ahd-04-anticmortimaneckchowk-specialstory-7205053_07022025190923_0702f_1738935563_959.jpg)
આ પણ વાંચો: