અમદાવાદ:ગતરોજ 'The Sheriaffair' નામના ગરબામાં બજરંગદળના કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગરબાના સિકયુરિટી બાઉન્સરો અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસ દ્વારા મામલો શાંત કરવાના પ્રયાસ છતાં પરિણામ ન મળતા છેવટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
20 થી 25 લોકોનું ટોળું આવ્યું:ગાંધીનગર Dy.SP દિવ્યપ્રકાશ ગોહિલ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'ગતરોજ સરઘાસણ પાસે ઠાકર ફાર્મમાં 'The Sheriaffair' નામના પ્રાઇવેટ ગરબામાં સફેદ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં લોકો સફેદ કપડાંમાં ગરબા રમવા માટે આવ્યા હતા. આ દરમિયાન 20 થી 25 લોકોનું ટોળું આવી પોતે બજરંગદળના કાર્યકર્તાઓ હોવાની આઇડેન્ટિટી આપી કોઈપણ પાસ વગર અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ સ્થાનિક સિક્યુરિટીને ખસેડીને અંદર ગેટ સુધી આવી ગયા હતા. ગેટ પર અમારી જે 2-4 પોલીસ હતી તેમના દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા અને પૂછ્યું હતું કે, તમે કયાં કામથી આવ્યા છો ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે બજરંગ દળના છીએ અને કોઈ વિધર્મી અહી ઘુસી ગયું હોય તો અમારે તેમને તિલક કરવા છે.'
પોલીસ દ્વારા પહેલા સહકાર આપવામાં આવ્યો:વધુમાં જણાવતા તેમણે કહ્યું કે, પહેલા પોલીસ દ્વારા તેમને સહકાર પણ આપવામાં આવ્યો કે તમારે તિલક કરવા હોય તો 2-3 વ્યક્તિઓ અંદર જઈ શકે છે અને પોલીસ પણ સાથે આવશે. અને જો તેવું જણાશે કે આવા કોઈ લોકો અંદર ઘૂસ્યા છે તો અને તેમને બહાર પણ નીકાળી લઈશું, પરંતુ ગેટ પર અમારી 2-3 પોલીસ મોજુદ હતી અને તેમનું 20 થી 25 લોકોનું ટોળું હોવાથી તેઓ તાબે થયા નહિ અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.