અમદાવાદ: અત્યાર સુધી આપણે નકલી ઘી, તેલ, નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓના કિસ્સાઓ સાંભળ્યા છે. પરંતુ હવે રાજ્યમાં નકલી કોર્ટનો મામલો સામે આવ્યો છે. નકલી કોર્ટનો પર્દાફાશ થતા જ આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે નકલી લવાદી બનીને જમીનના ઓર્ડર કરનાર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના વ્યક્તિ વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને આજે કારંજ પોલીસે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
નકલી કોર્ટરૂમ બનાવીને બોગસ જજ બની છેતરપિંડી કરનારા આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. આજે કારંજ પોલીસે મેડિકલ ઓફિસરોને સાથે રાખીને આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને 14 દિવસના રિમાન્ડની મંજૂરી માંગી હતી. જોકે મેટ્રો કોર્ટે આરોપીને 3 નવેમ્બર સુધી એટલે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી એ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કોર્ટમાં જણાવ્યું હતું કે, પોલીસે ગુનો કબૂલવા માટે માર માર્યો છે. ત્યાર પછી આરોપીની ફરિયાદ સાંભળીને કોર્ટે આરોપીને મેડિકલ ચેકઅપ કરાવવાની મંજૂરી આપી હતી. આ અંગે આજે વધુ એક વખત આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચનને મેટ્રોકોટમાં રજૂ કરવામાં આવ્યો અને આરોપીની રિમાન્ડ અરજી પર સુનાવણી થઈ. તે દરમિયાન આરોપીની મેડિકલ તપાસના રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તે રિપોર્ટમાં શરીર પર માત્ર એક જ જગ્યાએ નાખ વાગવાનું નિશાન સામે આવ્યું. સુનાવણી દરમિયાન પોલીસે રજૂઆત કરી હતી કે આરોપીએ પોલીસ પર જે માર મારવાના આરોપો લગાવ્યા છે તે ખોટા છે.