અમદાવાદ: શહેરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફ્લાવર્સ શોએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. કેમ કે, આ ફ્લાવર શોમાં બનાવવામાં આવેલા એક બુકે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યા બાદ આ વર્ષે હવે સૌથી મોટા બુકે માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.
સળંગ બીજા વર્ષે ફ્લાવર શો વર્લ્ડ રેકૉર્ડ લાવ્યું: અમદાવાદ શહેર દિવસે અને દિવસે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ત્યારે નવા નવા રેકોર્ડ પણ તેના દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. પોતાના જ રેકોર્ડને લક્ષ્યાંક માનીને તેને જ તોડવા શહેર મહેનત કરતું હોય તે પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે. ગત વર્ષે પણ ફ્લાવર શો માટે એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યા બાદ ફરી આ વખતે પણ વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે અમદાવાદ ફ્લાવર શોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.
વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત: તમને જણાવી દઈએ કે, આ પહેલા વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકેનો રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. આ એવાર્ડ 7 x 7 મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે 18 ફેબ્રુઆરી 2024ના રોજ આપવામાં આવ્યો હતો. ત્યારે હવે 7 જાન્યુઆરી, 2025 ના રોજ ગિનિસ બુકની ટીમ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું હતું.
રાજ્ય સહિત સમગ્ર દેશ માટે ગર્વની વાત: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવું અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્ય માટે ગર્વની વાત છે અને UAEને પાછળ મૂકીને જ્યારે અમદાવાદ શહેર વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાતું હોય ત્યારે તે સમગ્ર દેશના ગર્વની વાત બને છે.