જૂનાગઢ: રાજકોટના ટીઆરપી મોલમાં લાગેલી આગમાં 27 જેટલી માનવ જિંદગી બળીને ભસ્મિભૂત થઈ ગઈ છે ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે જગ્યા પર લોકોની વધારે અવરજવર હોય કે, દિવસ દરમિયાન વધુ લોકો આવા સ્થળ પર જઈ રહ્યા છે અથવા તો જવાની પૂરી શક્યતા છે તેવા તમામ સ્થળો પર ગત રવિવારથી જ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે ત્રણ દિવસ બાદ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા કેટલાક પાર્ક હોટેલમાં મનોરંજન માટે ઉભા કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને સિનેમાની સાથે સાથે શોપિંગ મોલને પણ સીલ કરવાની પ્રક્રિયા ધરી હતી.
આજે કેટલાક સ્થળો પર કરાયા સીલ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જયશ્રી સિનેમાને ફાયર સેફટીનું પ્રમાણપત્ર ન હોવાને કારણે સીલ કરી દીધી છે. તો બીજી તરફ મોતીબાગ નજીક આવેલો રિલાયન્સ શોપિંગ મોલ તેમજ ઝાંઝરડા રોડ પર આવેલા રિલાયન્સ ટ્રેડ મોલમાં બીયુ પરમિશન કે ફાયર સેફટીને લઈને એન.ઓ.સી નહીં હોવાને કારણે સીલ કરી દેવામાં આવી છે. તો ટીંબાવાડી નજીક આવેલા ક્રોમા મોલને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અગાઉ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂરજ ફોન વર્ડ એમ્યુઝમેન્ટ પાર્ક અને સુરજ સિનેપ્લેક્સમાં પણ આ પ્રકારની ગતિવિધિ બંધ થાય તે માટે સીલ કરવામાં આવ્યા હતા અને એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ સુરજ સિનેપ્લેક્સનું ફાયર એન.ઓ.સીનુ પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે. જેથી તેને બંધ કરવામાં આવ્યું છે. આ સિવાય ભવનાથમાં આવેલ ફર્ન રિસોર્ટમાં પણ વિવિધ ગેમોને લઈને ઊભા કરવામાં આવેલા વિભાગમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હોસ્પિટલ, બહુમાળી ભવનો, શાળા, કોલેજ સહિત અનેક એવા વ્યાપારિક બાંધકામો છે કે જેમાં બી યુ પરમિશન અને ફાયર એન.ઓ.સી નહીં હોવાને કારણે તેમાં સીલીંગની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર છે.