જુનાગઢ: જુનાગઢ અને સોમનાથ જિલ્લામાં સરેરાશ વરસાદ કરતા 50% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હજુ પણ અતી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે, આવી પરિસ્થિતિમાં ચોમાસુ પાકોમાં મુંડા ફૂગ અને ચૂસીયા પ્રકારની જીવાતની સાથે ગુલાબી ઈયળના ઉપદ્રવની શક્યતા વધી જાય છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતે જીવાતની સાથે ખેતરમાં ભરાયેલા વરસાદના પાણીનું યોગ્ય નિયંત્રણ કરીને ચોમાસુ પાકોને બચાવવા માટે તકેદારી રાખવી જોઈએ, તેવું એગ્રીકલ્ચર યુનિવર્સીટીના સંશોધક વૈજ્ઞાનિકો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે.
ગુજરાતમાં ભારે વરસાદ બાદ પાકોમાં મુંડા, ફૂગ અને ચુસીયા જેવી જીવાતના ઉપદ્રવની શક્યતાઃ ખેડૂતોએ કેવી રાખવવી તકેદારી જાણો - Gujarat Rain and weather update - GUJARAT RAIN AND WEATHER UPDATE
ગુજરાતમાં ઠેરઠેર ભારે વરસાદ નોંધાયો છે. સરકારી તંત્ર પણ ચિંતિત છે અને સામાન્ય જન પણ, તેમાં ખેડૂતને માથે તો જાણે આભ તૂટ્યું. આગામી સમયમાં ભારે વરસાદ બાદ ફૂગ, ચુસીયા, મુંડા જેવી જીવાતો પાકમાં ઉપદ્રવ મચાવશે તેની પણ ચિંતા, ખેડૂતોએ શું તકેદારી રાખવી આવો જાણીએ... - Gujarat Rain and weather update
Published : Aug 28, 2024, 6:53 PM IST
જુનાગઢ સહિત સમગ્ર ગીર અને સોરઠ પંથકમાં સરેરાશ વરસાદ કરતાં 40 થી 50% વરસાદ વધુ નોંધાય ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં હવે ચોમાસુ પાકોમાં મુંડા ફૂગ ગુલાબી ઈયળ અને ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ સામે આવી શકે છે. જેને લઈને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને તાકિદે અતિભરે વરસાદની પરિસ્થિતિમાં કૃષિ પાકો પર થઈ શકનાર સંભવિત ઇયળ અને ફૂગના ઉપદ્રવ સામે તુરંત પગલાં લઈને ચોમાસુ પાકોને રોગ જીવાતથી મુક્ત રાખવા માટે ખેતીવાડી અધિકારી અને જેતે વિષયના નિષ્ણાંત વૈજ્ઞાનિકોની સલાહ સૂચનથી કૃષિ પાકોમાં દવા અને અન્ય જરૂરી ઉપચાર શરૂ કરી દેવાની સલાહ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
જીવાતોને મોકળુ મેદાન મળે તેવું વાતાવરણઃસતત અને અતિભારે વરસાદને કારણે જમીનમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ પૂરી થવા આવી છે. આવા સમયે વરસાદનું પાણી જમીન અને ખેતરોમાં સતત ભરાયેલું જોવા મળે છે. જેને કારણે મગફળી કપાસ તુવેર ડાંગર કઠોળ અને બાજરી સહિત ચોમાસુ પાકોમાં ભેજ અને પાણી વધવાને કારણે રોગ અને જીવાતનો ઉપદ્રવ વધી શકે છે. મગફળીમાં મુંડા કપાસમાં ગુલાબી ઈયળ, ફૂગજન્ય ટપકાનો રોગ, પાન અને જીંડવાને ચૂસીને નુકસાન કરનારી ઇયળોની સાથે ચોમાસા દરમિયાન કેટલીક ફૂગ કે જે કૃષિ પાકોને નુકસાન કરી શકે છે, તેનો ઉપદ્રવ વધતો હોય છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ રાસાયણિકની સાથે પ્રાકૃતિક ઉપાયો જે તે વિષયને લગતા કૃષિ નિષ્ણાંતોની યોગ્ય સલાહ અને સૂચન બાદ કરવામાં આવે તો વધુ વરસાદની આ સ્થિતિમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન મગફળી કપાસ તુવેર કઠોળ અને અન્ય કૃષિ પાકોને સંભવિત ઇયળ અને જીવાતોના ઉપદ્રવ સામે રક્ષણ મેળવી શકાય છે. સમયસર ઉપાય કરવામાં આવે તો તે કૃષિ પાકો માટે અસરકારક સાબિત થતું હોય છે, પરંતુ જો રોગ અને જીવાતનો ઉપદ્રવ આવ્યા બાદ તેના નિરાકરણને લઈને ખેડૂત જાગૃત બને તો આવા કિસ્સામાં જીવાતો પર પૂરતા પ્રમાણમાં નિયંત્રણ લાવી શકવામાં મુશ્કેલી પડે છે. જેને કારણે કૃષિ પાકોનું ઉત્પાદન પણ ઘટી શકે છે.