ભાવનગર: શહેરમાં 2022માં બાંધકામના મટીરીયલ્સને લઈને માથાકૂટ થઈ હતી અને ઉશ્કેરાયેલા શખ્સે ઘરેથી પિસ્તોલ લાવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં ભોગ બનનાર માતા પુત્રીના ગોળીથી ઇજા થવાના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા. જેને પગલે રીક્ષા ચાલકે પોતાની પત્ની અને પુત્રીને હત્યાને પગલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી ઝડપાઈ ગયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આજીવન કેદની સજા આરોપીને ફટકારી છે.
ક્યારે બન્યો હતો બનાવ ?ભાવનગર શહેરના સવાઈગર શેરી પીપળાવાળા ખાચામાં રહેતા અનવરઅલી પ્યારઅલી વઢવાણિયા રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાત ચલાવતા હતા. અનવરઅલીના ઘર પાસે પડેલા બાંધકામના મટીરીયલને પગલે આરોપી કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાશિયાણી સાથે માથાકૂટ થઈ હતી. 31 માર્ચ 2022ના રોજ બપોરે એક કલાકે બોલાચાલી થયા બાદ ફરી ઉશ્કેરાયેલા શખ્સ કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાશિયાણી પોતાના ઘરેથી પિસ્તોલ લઈ આવ્યો હતો. ફરિયાદી અનવરઅલી વઢવાણિયાના પત્ની ફરીદાબેન અને પુત્રી ફરિયાલબેન ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં બે રાઉન્ડ અનવરઅલીના પુત્રી ફરિયાલબેન ઉપર કરતા તેને માથાના ભાગે ગોળીથી ઇજા થઇ હતી. જ્યારે એક રાઉન્ડ અનવરઅલીના પત્ની ફરીદાબેન ઉપર ફાયરિંગ કરતાં તેને આંખના ઉપરના ભાગે ગોળીથી ઇજા થઇ હતી. આથી બંને ઇજાગ્રસ્તોને ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.